ભારતમાં કોરોનાના કેસમાં ફરી એક વખત વધારો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કુલ 3,962 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાથી 26 લોકોના મોત થયા છે. આ પછી સક્રિય કેસોની સંખ્યામાં પણ મોટો ઉછાળો થયો છે, જે હવે 22,416 પર પહોંચી ગયા છે.

એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે પણ દેશમાં લગભગ ચાર હજાર કોરોના કેસ નોંધાયા હતા. 3 જૂને, ચેપના 4,041 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 10 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. ભારતમાં, 84 દિવસ પછી એક દિવસમાં કોવિડ-19 ના 4,000 થી વધુ નવા કેસ નોંધાયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા હવે 4,31,72,547 થઈ ગઈ છે. જ્યારે કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5,24,677 લોકોએ જીવ ગુમાવ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,239 દર્દીઓનો વધારો નોંધાયો છે, જેના લીધે સક્રિય કેસોની સંખ્યા 22,416 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામેલા 26 લોકોમાંથી 20 લોકો કેરળના છે. ડેટા અનુસાર, દેશમાં કોવિડ-19 ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા કુલ કેસના 0.05 ટકા થઈ ગઈ છે. જ્યારે દર્દીઓનો સાજા થવાનો દર 98.73 ટકા છે.

આંકડા અનુસાર, દૈનિક ચેપ દર 0.89 ટકા છે, જ્યારે સાપ્તાહિક ચેપ દર 0.77 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,26,25,454 લોકો ચેપ મુક્ત થયા છે અને કોવિડ-19 થી મૃત્યુદર 1.22 ટકા છે. રસીકરણ અભિયાન હેઠળ, દેશભરમાં અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 193.83 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.