એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ટીમે દિલ્હીમાં દારૂના કૌભાંડ મામલે મોટી કાર્યવાહી કરી છે. ED એ 6 રાજ્યોમાં 40 સ્થળો પર દરોડા પાડ્યા છે. બેંગલુરુ, હૈદરાબાદ, નેલ્લોર, ચેન્નાઈ સહિત 40 થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા અને યુપીમાં પણ સર્ચ ચાલુ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, દિલ્હીની નવી એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસના સંબંધમાં ED એ લગભગ 40 સ્થળો પર દરોડા પાડ્યા છે.

આ અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પણ 6 સપ્ટેમ્બરે દિલ્હી સરકારની આબકારી નીતિ કેસમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. ED એ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા.

તમને જણાવી દઈએ કે, ભાજપે સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) પર દિલ્હીની દારૂની નીતિને લઈને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં સીબીઆઈએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા પછી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે દરોડામાં કંઈ મળ્યું નથી. તેણે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ લોકો દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્યના ઉત્કૃષ્ટ કામથી પરેશાન છે. તે જ સમયે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ સિસોદિયાનો બચાવ કરતા ભાજપ પર પ્રહારો કર્યા હતા.