વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે રાજ્યસભામાં સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી બેઇજિંગ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)માં એકપક્ષીય ફેરફાર કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી ભારત અને ચીન વચ્ચેના સંબંધો સામાન્ય નહીં થાય. તેઓ ગૃહમાં ‘ભારતની વિદેશ નીતિમાં નવીનતમ વિકાસ’ પરના નિવેદન પછી સભ્યો દ્વારા માંગવામાં આવેલી સ્પષ્ટતાનો જવાબ આપી રહ્યા હતા. કોંગ્રેસના પ્રમોદ તિવારી અને નાસિર હુસૈને ભારત અને ચીન વચ્ચેની સરહદ પર તણાવ સંબંધિત મુદ્દા પર કેન્દ્રીય મંત્રી પાસેથી જવાબ માંગ્યો હતો.

જયશંકરે કહ્યું, રાજનૈતિક રીતે અમે ચીન સાથે ખૂબ જ સ્પષ્ટ છીએ કે અમે વાસ્તવિક નિયંત્રણ રેખાને બદલવાના પ્રયાસોને સહન નહીં કરીએ. જ્યાં સુધી તેઓ આમ કરવાનું ચાલુ રાખે છે અને જો તેઓ સરહદી વિસ્તારમાં અમારા માટે ગંભીર ચિંતાનો વિષય બને તેવી દળો ઉભી કરશે તો અમારા સંબંધો સામાન્ય નહીં રહે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચે ‘અસામાન્ય સંબંધો’ છે.

જયશંકરે કહ્યું કે બંને દેશો વચ્ચે વરિષ્ઠ સૈન્ય કમાન્ડર સ્તરની વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે મામલાની સંવેદનશીલતાને જોતા આને હાલમાં સૈન્ય કમાન્ડર સ્તરની વાતચીત પર છોડી દેવો જોઈએ.

નોંધનીય છે કે જૂન 2020માં ગાલવાન ઘાટીમાં ભીષણ અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. પૂર્વી લદ્દાખના ડેમચોક અને ડેપસાંગ સેક્ટરમાં મડાગાંઠને ઉકેલવા અંગે હજુ સુધી કોઈ પ્રગતિ થઈ નથી, જોકે બંને પક્ષો સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટો દ્વારા ઘર્ષણના મુદ્દાઓથી છૂટા થઈ ગયા છે.