સર્વાઇકલ કેન્સરની રસી આગામી થોડા મહિનામાં ઉપલબ્ધ થશે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ ગુરુવારે માહિતી આપી હતી કે, આગામી કેટલાક મહિનામાં સર્વાઈકલ કેન્સરની રસી ઉપલબ્ધ થશે. તેમણે જણાવ્યું છે કે, પહેલા આ રસી દેશમાં આપવામાં આવશે અને બાદમાં દુનિયાને આપવામાં આવશે.

સર્વાઇકલ કેન્સર માટેની રસીનો વિકાસ એક મોટી સફળતા છે. મેડિકલ સાયન્સ માટે આજનો દિવસ મોટો માનવામાં આવે છે. અદાર પૂનાવાલાએ જણાવ્યું છે કે, ભારતમાં સર્વિકલ કેન્સર વેક્સિનની કિંમત 200 થી 400 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કહ્યું કે, હજુ કિંમતો નક્કી કરવામાં આવી નથી.

સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું છે કે, આગામી બે વર્ષમાં 20 કરોડ ડોઝ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, સર્વાઈકલ કેન્સર માટે ‘મેડ ઈન ઈન્ડિયા’ વેક્સીનને લઈને નિષ્ણાતોમાં ઘણો ઉત્સાહ છે.

નોંધપાત્ર વાત એ છે કે, દેશમાં સર્વાઇકલ કેન્સર સામેની લડાઈ હવે સરળ બનશે. સર્વાઇકલ કેન્સર સામેની લડાઈ માટે ભારતને પ્રથમ સ્વદેશી રસી મળી છે. આ રસી સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) દ્વારા બનાવવામાં આવી છે.