કેજરીવાલના મંત્રી સત્યેન્દ્ર જૈનને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન અને અન્ય બે લોકોની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 30 મેના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમો હેઠળ જૈનની ધરપકડ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર સુનાવણી કરતા પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અપ્રમાણસર સંપત્તિના કેસમાં સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

અગાઉ એપ્રિલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ જૈનના પરિવાર અને કંપનીઓની રૂ. 4.81 કરોડની સ્થાવર મિલકતો જપ્ત કરી હતી. તેમાં અકિંચન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ, ઈન્ડો મેટલ ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય કંપનીઓની મિલકતોનો સમાવેશ થાય છે.

જૈન પર આરોપ છે કે, તેણે દિલ્હીમાં અનેક શેલ કંપનીઓને લોન્ચ કરી અથવા ખરીદી હતી. તેણે કોલકાતા સ્થિત ત્રણ હવાલા ઓપરેટરોની 54 શેલ કંપનીઓ દ્વારા 16.39 કરોડ રૂપિયાનું કાળું નાણું પણ લોન્ડર કર્યું હતું. પ્રયાસ, ઈન્ડો અને અકિંચન નામની કંપનીઓમાં જૈન પાસે મોટી સંખ્યામાં શેર હતા. અહેવાલો અનુસાર, 2015 માં કેજરીવાલ સરકારમાં મંત્રી બન્યા બાદ જૈનના તમામ શેર તેમની પત્નીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

ધરપકડ બાદ જ્યારે મામલો સામે આવ્યો ત્યારે જ્યારે ઈડીએ મની લોન્ડરિંગના દસ્તાવેજો બતાવીને જૈનને સવાલ પૂછ્યા ત્યારે તેણે કોરોનાને કારણે યાદશક્તિ ગુમાવી દીધી હોવાનો દાવો કર્યો હતો.