સોનાલી ફોગાટ કેસમાં ગોવા સરકારે શુક્રવારે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે આજે સવારે સરકાર દ્વારા વિવાદાસ્પદ કર્લીઝ ક્લબને તોડી પાડવામાં આવી હતી. આ રેસ્ટોરન્ટને CRZ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તોડી પાડવામાં આવ્યું હતું. આ એ જ ક્લબ છે જ્યાં સોનાલી ફોગાટ પાર્ટી કરતો વીડિયો સામે આવ્યો હતો. આ ક્લબમાં જ ફોગાટને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું, જેના થોડા કલાકો પછી તેનું મૃત્યુ થયું હતું.

સોનાલી ફોગાટના મૃત્યુના સંબંધમાં રેસ્ટોરન્ટના માલિક એડવિન નુન્સની પણ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને શરતી જામીન આપવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ ચારની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે રેસ્ટોરન્ટને તોડી પાડવાનો પહેલો ઓર્ડર 2016માં GCZMA દ્વારા જારી કરવામાં આવ્યો હતો, જેને ‘Curly’s’ના મેનેજમેન્ટ દ્વારા NGT સમક્ષ પડકારવામાં આવ્યો હતો. આ મામલાની સુનાવણી 6 સપ્ટેમ્બરે જસ્ટિસ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળી NGT બેન્ચે કરી હતી. બેન્ચે GCZMA ના આદેશને યથાવત રાખ્યો હતો અને રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ દ્વારા દાખલ કરાયેલી અરજીનો નિકાલ કર્યો હતો.

ગોવા પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે સોનાલી ફોગાટને જે ક્લબમાં બળજબરીથી ડ્રગ્સ પીવડાવવામાં આવ્યું હતું તે ક્લબ એડવિનના નહીં પરંતુ તેની બહેન લિનેટના નામે છે. એડવિન ક્લબને રૂટીનમાં સંભાળતો હતો. ગોવા પોલીસની તપાસ લિનેટ સુધી પહોંચી શકે છે.

ભાજપ નેતા સોનાલી ફોગાટના મોતના આરોપી સુધીર સાંગવાન અને સુખવિન્દ્રને બે દિવસના રિમાન્ડ બાદ ગુરુવારે મસુપા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ પર ગોવા પોલીસે બંને આરોપીઓને ફરીથી બે દિવસના રિમાન્ડ પર લીધા છે. અત્યાર સુધીની તપાસમાં એ વાત સામે આવી છે કે બીજેપી નેતા સોનાલી ફોગાટને સુધીર સાંગવાન અને સુખવિન્દ્ર દ્વારા ડ્રગ્સ આપવામાં આવ્યું હતું.