ગૂગલે અન્ય દેશોની સાથે ભારતમાં યુઝર ચોઈસ બિલિંગ પ્રોજેક્ટ કર્યો શરૂ, શું છે આ સમગ્ર મામલો?

ગૂગલે શુક્રવારે કહ્યું કે તે તેના યુઝર ચોઈસ બિલિંગ પ્રોજેક્ટનો આગળનો તબક્કો શરૂ કરવા જઈ રહ્યું છે. વિશ્વના ઘણા મોટા બજારો સાથે ભારત પણ આમાં સામેલ છે. આ સેવા ઓસ્ટ્રેલિયા, ઈન્ડોશિયા, જાપાન અને યુરોપિયન ઈકોનોમિક એરિયા જેવા મોટા બજારોમાં શરૂ કરવામાં આવી રહી છે. ગૂગલે આને શરૂ કરવાનો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા તેનાથી સંબંધિત મામલાની તપાસ કરી રહ્યું છે. Google પર મનસ્વી હોવાનો અને ચુકવણીમાં ભેદભાવપૂર્ણ વલણ અપનાવવાનો આરોપ છે.
કંપનીએ કહ્યું કે શુક્રવારથી વિશ્વભરના તમામ નોન-ગેમિંગ ડેવલપર્સ આ પાયલોટ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે સાઇન અપ કરી શકે છે. આ માર્કેટમાં મોબાઈલ અને ટેબલેટ યુઝર્સને આ પસંદગી આપવામાં આવી રહી છે.
ગૂગલે શું કહ્યું?
ગૂગલના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “Android હંમેશા એક અનોખી રીતે ઓપન ઓપરેટિંગ સિસ્ટમ રહી છે. અમે સતત અમારા પ્લેટફોર્મનો વિકાસ કરીએ છીએ અને વિકાસકર્તાઓ અને યુઝરો માટે ઉપલબ્ધ વિકલ્પોને વધારીએ છીએ.
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે ગૂગલ પ્લેના યુઝર ચોઈસ બિલિંગ પ્રોજેક્ટના આગલા તબક્કામાં, પસંદ કરેલા પ્રદેશોમાં તમામ નોન-ગેમિંગ ડેવલપર્સ તેમના યુઝરોને પ્લેની બિલિંગ સિસ્ટમ સાથે વધારાની બિલિંગ પસંદગી પ્રદાન કરી શકે છે. કંપનીએ કહ્યું, અમે આવનારા મહિનાઓમાં આમાંથી વધુ શેર કરીશું.
આ વર્ષની શરૂઆતમાં, ગૂગલે ગૂગલ પ્લે પર એપ્સમાં યુઝર ચોઇસ બિલિંગ માટે એક નવો પ્રોજેક્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આનાથી સહભાગી વિકાસકર્તાઓને યુઝરોને Google Play ની બિલિંગ સિસ્ટમ સાથે વૈકલ્પિક બિલિંગ સિસ્ટમ ઑફર કરવાની મંજૂરી મળી.