કેન્દ્ર સરકારે કોરોના રસીકરણને કારણે થયેલા કથિત મૃત્યુ અંગે કોઈ જવાબદારી લેવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કેન્દ્રએ કહ્યું છે કે, તેને મૃતકો અને તેમના પરિવારો પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે, પરંતુ રસીની કોઈપણ પ્રતિકૂળ અસર માટે તેને જવાબદાર ઠેરવી શકાય નહીં.

આ મામલો ગયા વર્ષે સુપ્રિમ કોર્ટમાં કોરોના રસીકરણના કારણે કથિત રીતે બે યુવતીઓના મોતને લઈને દાખલ કરવામાં આવેલી અરજી સાથે સંબંધિત છે. એફિડેવિટ સાથે દાખલ કરવામાં આવેલા જવાબમાં કેન્દ્રએ જણાવ્યું હતું કે, રસીના કારણે મૃત્યુ થયા હોય તેવા કિસ્સામાં સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરીને વળતરની માંગ કરી શકાય છે. આ સોગંદનામું બંને છોકરીઓના માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં આવ્યું છે. કોવિડ રસીકરણ પછી ગયા વર્ષે તેમનું અવસાન થયું છે.

અરજીમાં માંગ કરવામાં આવી છે કે, કોવિડ રસીના કારણે મૃત્યુના કેસોની સ્વતંત્ર તપાસ થવી જોઈએ અને રસીકરણ પછી કોઈપણ પ્રતિકૂળ અસર (AEFI) ને સમયસર શોધી કાઢવા અને નિવારક પગલા લેવા માટે નિષ્ણાત તબીબી બોર્ડની રચના કરવા વિનંતી કરવામાં આવી છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગત સપ્તાહે અરજીનો જવાબ દાખલ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે, રસીની પ્રતિકૂળ અસરોને કારણે બહુ ઓછા મૃત્યુ અને વળતર માટે કેન્દ્રને જવાબદાર ઠેરવવું કાયદેસર રીતે યોગ્ય રહેશે નહીં. બે છોકરીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા કેન્દ્રએ કહ્યું કે માત્ર એક જ કેસમાં AEFI સમિતિને રસીકરણની પ્રતિકૂળ અસરો કારણભૂત હોવાનું જણાયું હતું.