પાકિસ્તાન ભારતમાં આતંક અને અવિશ્વાસ ફેલાવવાના દરેક સંભવ પ્રયાસમાં લાગેલું છે. ભારતીય સેનાએ જે રીતે બોર્ડર પર પાકિસ્તાની આતંકવાદીઓ પર કાબૂ મેળવ્યો છે, ત્યારપછી પાકિસ્તાન હવે ઈન્ટરનેટ દ્વારા ભારતમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનના આ નાપાક કૃત્યને જોતા, ભારતે પ્રથમ વખત 2 ન્યૂઝ વેબસાઇટ્સ અને 20 યુટ્યુબ ચેનલોને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે, જેના દ્વારા પાકિસ્તાન ભારતમાં ખોટા સમાચાર અને અફવાઓ ફેલાવતું હતું. સૂચના અને પ્રસારણ મંત્રાલયે આ માટે યુટ્યુબને લેખિતમાં આદેશ જાહેર કર્યો છે.

 

ઈન્ટરનેટ મીડિયા દ્વારા ભારત વિરોધી એજન્ડા ચલાવનારાઓ સામે સરકાર હવે કડક વલણ અપનાવી રહી છે. જ્યારે બહુરાષ્ટ્રીય કંપનીઓ ઈન્ટરનેટ મીડિયાને લઈને કડક નિયમો બનાવી રહી છે, ત્યારે કેટલાક લોકો તેનો ખોટો ઉપયોગ કરવાથી રોકી રહ્યાં નથી. સરકાર પાસે એવી માહિતી છે, જે દર્શાવે છે કે પાકિસ્તાનમાં બેઠેલા કેટલાક લોકો યુટ્યુબ દ્વારા ભારત વિરોધી અને ખોટા સમાચાર ફેલાવવાનું કામ કરી રહ્યા છે. સમાચાર છે કે ‘નયા પાકિસ્તાન ગ્રુપ’, જેની 15 યુટ્યુબ ચેનલો છે અને તે તમામ ભારત પર કેન્દ્રિત છે. આ તમામ યુટ્યુબ ચેનલો પર ભારત વિરોધી સમાચાર પ્રસારિત થાય છે.

 

આ તમામ ચેનલો ભારતની છબી ખરાબ કરવા અને સમાચારોની આડમાં દુનિયાની સામે જુઠ્ઠાણું પીરસવાનું કામ કરી રહી છે. આ જૂઠને સત્ય બતાવવા માટે કેટલીક ચેનલોએ પાકિસ્તાની એન્કરોને પણ પોતાની ટીમના ભાગ બનાવી લીધા છે. આ તમામ પાકિસ્તાની એન્કર ત્યાંની ઘણી મોટી ન્યૂઝ ચેનલોમાં કામ કરે છે. આ એન્કરોનો હેતુ અસત્યને સત્ય સાબિત કરીને દુનિયાની સામે રજૂ કરવાનો છે.