2002 ના ગોધરા ટ્રેન કોચ સળગાવવાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતને સુપ્રીમ કોર્ટે ગુરુવારે જામીન આપ્યા છે. તે છેલ્લા 17 વર્ષથી જેલમાં છે તે જોતા કોર્ટે આ જામીન મંજૂર કર્યા હતા. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાની બેન્ચે દોષિતોમાંથી એક ફારુક માટે હાજર રહેલા વકીલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતની નોંધ લીધી હતી કે, તેને આજ સુધીના સમયગાળાને ધ્યાનમાં રાખીને જામીન આપવામાં આવે. તમને જણાવી દઈએ કે, આ મામલામાં ઘણા દોષિતોની સજા વિરુદ્ધની અપીલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, આ સૌથી જઘન્ય અપરાધ હતો જેમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા અને દોષિતોની અપીલ પર વહેલી તકે સુનાવણી કરવાની જરૂર છે. ફારૂક સહિત અન્ય કેટલાકને સાબરમતી એક્સપ્રેસના કોચ પર પથ્થરમારો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. મહેતાએ કહ્યું કે, પથ્થરમારો સામાન્ય રીતે ગૌણ પ્રકૃતિનો ગુનો છે. જો કે, હાલના કિસ્સામાં, મુસાફરો બહાર ન આવી શકે તે માટે ટ્રેનના કોચને બોલ્ટ કરવામાં આવ્યો હતો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આ ઉપરાંત ફાયર ટેન્ડરો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

27 ફેબ્રુઆરી, 2002ના રોજ, ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા, જેના કારણે રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યા હતા.