મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. જ્યારે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. વરસાદના કારણે ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે. તેમનો પાક નિષ્ફળ ગયો છે. દરમિયાન મુંબઈમાં ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા જોવા મળ્યા છે.

મુંબઈમાં ગઈ રાતથી પડી રહેલો વરસાદ થોડો સમય બંધ થઈ ગયો હતો પરંતુ ફરી શરૂ થઈ ગયો છે. જેના કારણે વાહન વ્યવહાર ધીમો પડી ગયો છે. આ સાથે વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે પણ મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. IMDનું કહેવું છે કે આગામી થોડા દિવસો સુધી મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

મુંબઈના અંધેરી, ગોરેગાંવ, સાંતાક્રુઝ, પવઈ, ખારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આજે મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. IMD અનુસાર, આગામી 48 કલાકમાં મુંબઈ અને ઉપનગરોમાં હળવો વરસાદ પડશે. આગામી બે દિવસમાં શહેરનું તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસથી 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.

નોંધનીય છે કે આ પહેલા હવામાન વિભાગે મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. હવામાન વિભાગનું કહેવું છે કે મુંબઈમાં 17 સપ્ટેમ્બરે પણ ભારે વરસાદની સંભાવના છે. તેમજ 18 અને 19 સપ્ટેમ્બરે દિવસભર આકાશ વાદળછાયું રહેશે અને હળવો વરસાદ પડી શકે છે. મુંબઈમાં ગુરુવારે પડેલા વરસાદની સીધી અસર જનજીવન પર પડી હતી.