ચૂંટણી પંચના વડા રાજીવ કુમારે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, આગામી ચૂંટણીમાં દરેક મતદાન મથક ગ્રાઉન્ડ ફ્લોર પર જ હશે. તમામ લોકોને તેમના ઘરથી બે કિલોમીટરના અંતરમાં મતદાન મથકો ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મીડિયાને જણાવ્યું છે કે, હિમાચલમાં 55 લાખ મતદારો 12 નવેમ્બરે મતદાન કરશે. ત્યાર બાદ 8 મી ડિસેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચે કહ્યું કે 17 ઓક્ટોબરે ગેઝેટ નોટિફિકેશન જારી કરવામાં આવશે. તે જ સમયે, નોમિનેશનની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર છે. નોમિનેશનની ચકાસણી 27 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. ઉમેદવારો 29 ઓક્ટોબર સુધી તેમના નામ પાછા ખેંચી શકશે. હિમાચલમાં 12 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. આ પછી 8મી ડિસેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર છે.

ચૂંટણી પંચે કહ્યું છે કે હિમાચલ પ્રદેશમાં 55 લાખ મતદારો છે. જેમાં 27 લાખ 80 હજાર પુરૂષો અને 27 લાખ 27 હજાર મહિલાઓ ભાગ લેશે. ચૂંટણીમાં સામેલ સેવા કર્મચારીઓની સંખ્યા 67 હજાર 532 હશે. આ સિવાય PWD 56,001 હશે. આ સિવાય 80 વર્ષથી વધુ ઉંમરના 1.22 લાખ મતદારો છે. આ સાથે 1184 એવા મતદારો છે જેમની ઉંમર 100 વર્ષથી વધુ છે.

હિમાચલ પ્રદેશ વિધાનસભામાં 68 બેઠકો છે. 2017 માં એટલી જ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. તે સમયે રાજ્યમાં 17 વિધાનસભા બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત હતી, જ્યારે ત્રણ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત હતી. રાજ્યની 48 વિધાનસભા બેઠકો જનરલ કેટેગરીની હતી. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 44, કોંગ્રેસને 21 અને અન્યને ત્રણ બેઠકો મળી હતી.