મહારાષ્ટ્રના નાસિકમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં એક ટ્રક સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી હતી, જેમાં 11 લોકો સળગીને મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં 10 વયસ્કો અને એક બાળકનો સમાવેશ થાય છે. પુણે તરફ જતી આ બસમાં નાસિક-ઔરંગાબાદ રોડ પર આ અકસ્માત થયો હતો. નાસિક પોલીસે અકસ્માતની પુષ્ટિ કરી છે. નાશિક પોલીસે જણાવ્યું છે કે, મૃતદેહો અને ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

જ્યારે સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, ઘટના સવારે 5 વાગ્યાની આજુબાજુ બની હતી જ્યારે નાસિકના ઔરંગાબાદ રોડ પર એક ટ્રક સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બસમાં આગ લાગ્યા બાદ ભયંકર આગ ફેલાઈ ગઈ હતી. ફાયરના જવાનો દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું છે કે, આ ઘટના મારા ઘર પાસે બની હતી. ઘટના બાદ બસમાં આગ લાગી હતી અને લોકો દાઝી ગયા હતા. અમે જોયું પણ કંઈ કરી શક્યા નહિ. બાદમાં ફાયર વિભાગ અને પોલીસ આવી ગઈ હતી.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને 5 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. તેમણે ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે.