મુંબઈના અંધેરી વિસ્તારમાંથી 30 વર્ષની મોડલની લાશ મળી આવી છે. મોડલની લાશ હોટલના રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસને મૃતદેહની સાથે એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. પોલીસે આ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મોડલે બુધવારે રાત્રે 8 વાગ્યે હોટેલમાં ચેક-ઇન કર્યું હતું અને ડિનરનો ઓર્ડર પણ આપ્યો હતો. ગુરુવારે જ્યારે હાઉસકીપિંગ સ્ટાફે ઘણી વખત દરવાજો ખખડાવ્યો પણ રૂમ ખૂલ્યો નહોતો. ત્યાર બાદ મેનેજરે આ અંગે પોલીસને જાણ કરી હતી.

હોટલ પહોંચ્યા બાદ પોલીસે માસ્ટર કી વડે દરવાજો ખોલ્યો છે. તેણે રૂમમાં જોયું તો મોડેલની લાશ પંખા સાથે લટકતી જોવા મળી હતી. મોડલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

મોડલના મૃતદેહની સાથે પોલીસને રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં લખ્યું છે કે, ‘મને માફ કરજો. આ માટે કોઈ જવાબદાર નથી. હું ખુશ નથી. મારે બસ શાંતિ જોઈએ છે.

વર્સોવા પોલીસે ADR હેઠળ કેસ નોંધ્યો છે અને મોડલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.