દિલ્હી NCRમાં સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. મધર ડેરીએ ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ કિંમતો આજે સોમવારથી લાગુ થશે. દિલ્હી એનસીઆરમાં આ વર્ષે ચોથી વખત દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

મધર ડેરીએ ફુલ ક્રીમ મિલ્કમાં પ્રતિ લીટર 1 રૂપિયાનો વધારો કર્યો છે. જયારે, ટોકનાઇઝ્ડ દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મધર ડેરી કંપની દિલ્હી એનસીઆરમાં સૌથી મોટી દૂધ સપ્લાય કરતી કંપનીઓમાંની એક છે. મધર ડેરી દરરોજ 30 લાખ લિટરથી વધુ દૂધ સપ્લાય કરે છે.

સોમવારથી ફુલ ક્રીમ દૂધ હવે રૂ. 63/લીટરને બદલે રૂ. 64/લીટરના ભાવે મળશે. બીજી તરફ ટોકન મિલ્ક 48 રૂપિયાના બદલે 50 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે. મધર ડેરીના પ્રવક્તાએ કહ્યું કે ફુલ ક્રીમ દૂધના અડધા લિટર પેકેટની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જે લોકોને થોડી રાહતની વાત છે.

આવા સમયે દૂધના ભાવમાં વધારો ઘરનું બજેટ બગાડી શકે છે. એવા સમયે જ્યારે લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. પ્રવક્તાએ કહ્યું કે ખેડૂતો પાસેથી મોંઘા કાચા દૂધને કારણે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મધર ડેરી દૂધ ઉત્પાદકોને ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતી કિંમતના લગભગ 75-80 ટકા આપે છે. તેમણે કહ્યું કે આ વર્ષે સમગ્ર ડેરી ઉદ્યોગમાં દૂધની માંગ અને પુરવઠામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.