ભારતમાં કોરોનાવાયરસના કેસો સતત સામે આવી રહ્યા છે, પરંતુ હવે કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 7 હજાર 591 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. તેમ છતાં, આ સમયગાળા દરમિયાન નવા કેસ કરતાં કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ- 19 માંથી 9 હજાર 206 દર્દીઓ સાજા થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં કુલ રિકવરી રેટ લગભગ 98.62 ટકા પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો કુલ આંકડો 4,38,02,993 પર પહોંચી ગયો છે. હાલમાં 84 હજાર 931 એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ રહેલા છે.

દેશમાં કોરોના કેસનો ગ્રાફ નીચે આવી રહ્યો છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, 28 ઓગસ્ટે દેશમાં 9 હજાર 436 નવા કેસ નોંધાયા હતા. જ્યારે તે પહેલા 27 ઓગસ્ટના રોજ 9 હજાર 520 કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં કેસની સંખ્યા 7 હજાર 591 છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં સાપ્તાહિક સકારાત્મકતા દર વધીને 2.60 ટકા થઈ ગયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 88.52 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1 લાખ 65 હજાર 751 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી રસીકરણનો સવાલ છે, મંત્રાલયના ડેટા મુજબ, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 211.91 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 24 લાખ 70 હજાર 330 ડોઝ આપવામાં આવ્યા છે.