છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 4 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના 4,043 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4,676 લોકો કોરોના સંક્રમણથી સાજા પણ થયા છે. હવે દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ વધીને 47, 379 થઈ ગયા છે. ભારતમાં કોરોનાની સકારાત્મકતા દર 1.37 ટકા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 15 લોકોના મોત નીપજ્યા છે. દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 5,28,370 થઈ ગઈ છે. મંત્રાલયે જણાવ્યું છે કે, કોરોનાના સક્રિય કેસ કુલ ચેપના 0.11 ટકા છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.71 ટકા થઈ ગયો છે.

ગઈકાલની સરખામણીએ છેલ્લા 24 કલાક દરમિયાન 648 કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દૈનિક હકારાત્મકતા દર 1.37 ટકા નોંધવામાં આવ્યો હતો, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 1.81 ટકા છે.

કોરોના સંક્રમણમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4 કરોડ 39 લાખ 67 હજાર 340 (4,39,67,340) થઈ ગઈ છે. કોરોના કેસનો મૃત્યુદર 1.19 ટકા નોંધાયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 216.83 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.