દેશમાં કોરોના સંક્રમણના દરરોજના કેસમાં સતત વધઘટ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,615 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસ પહેલા દેશમાં 16,678 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 10 જુલાઈના રોજ 18,257 કેસ નોંધાયા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 24 કલાકમાં 13,265 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. જ્યારે આ દરમિયાન 20 લોકોના મોત પણ નીપજ્યા છે. દેશમાં હવે 1,31,043 સક્રિય કોરોના દર્દીઓ છે. જ્યારે દૈનિક ચેપ દર 3.23 ટકા નોંધાયો છે.

આંકડા મુજબ, દેશમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 525474 પર પહોંચી ગયો છે. તેમાં છેલ્લા 24 કલાકનો ડેટા પણ સામેલ છે. આ સિવાય દેશમાં અત્યાર સુધીમાં 42996427 લોકો કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે 1990059536 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

મેડિકલ રિપોર્ટ્સ સૂચવે છે કે, દેશમાં ઓમિક્રોન અને તેના પેટા વેરિયન્ટ્સને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આ અંગે ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. Omicron ના પેટા પ્રકારો BA.2, BA.4 અને BA.5 એ મોટાભાગના વર્તમાન કેસોના મુખ્ય કારણો હોવાનું માનવામાં આવે છે. તાજેતરના અહેવાલોમાં, સંશોધકોએ ઓમિક્રોન સબ-વેરિયન્ટ BA.5 ને અત્યંત ચેપી ગણાવ્યું છે. નિષ્ણાતો કહે છે કે, તે કોરોનાના અન્ય પ્રકારોથી અલગ છે, તેના લક્ષણો પણ અલગ રીતે જોવામાં આવી રહ્યા છે. ઓમિક્રોનનું આ પેટા વેરિઅન્ટ ઘણા દેશોમાં મોટી સમસ્યા તરીકે ઉભરી રહ્યું છે.