દેશમાં કોરોના વાયરસના કેસ અટકવાનું નામ લઈ રહ્યા નથી. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કુલ 12,781 નવા કેસ નોંધાયા છે, જ્યારે 18 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. નવા આંકડાઓ બાદ સક્રિય કેસોની કુલ સંખ્યા 76,700 પર પહોંચી ગઈ છે. જે દેશ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે.

રવિવારના આંકડાઓ પર નજર કરીએ તો, કોરોનાના 12,899 નવા કેસ નોંધાયા છે, જ્યારે 15 લોકોના કોરોનાથી મોત થયા છે. તમને જણાવી દઈએ કે, 18 જૂને દેશમાં કુલ 13,216 નવા કોરોના કેસ નોંધાયા હતા, જ્યારે 113 દિવસમાં પ્રથમ વખત દેશમાં ચેપના 13,000 થી વધુ કેસ નોંધાયા હતા.

નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 43,311,049 થઈ ગઈ છે. રવિવારે સવારે 8 વાગ્યે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ચેપને કારણે વધુ 18 લોકોના મોત થયા બાદ ભારતમાં કુલ મૃત્યુઆંક વધીને 524,873 થયો છે. મંત્રાલયે જણાવ્યું છે કે, દેશમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 78,276 પર પહોંચી ગઈ છે. કોરોનાથી મુક્ત થનાર દર્દીઓનો રાષ્ટ્રીય દર 98.62 ટકા છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દૈનિક ચેપ દર 4.32 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 42,707,900 લોકો કોરોનાથી મુક્ત થયા છે અને મૃત્યુ દર 1.21 ટકા છે.