કોરોનાવાયરસ સંક્રમણના દૈનિક કેસો ફરી એક વખત ફરી ચિંતા વધારી રહ્યા છે. દેશમાં લગભગ 22 દિવસ બાદ કોરોનાના કેસ ત્રણ હજારને પાર પહોંચી ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 હજાર 712 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 5 કોવિડ સંક્રમિતોના મોત નીપજ્યા છે. નવા આંકડા સહિત દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 4 કરોડ 31 લાખ 64 હજાર 544 પર પહોંચી ગયા છે. જ્યારે અત્યાર સુધીમાં 5 લાખ 24 હજાર 641 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં કોવિડ-19 ની સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 19,509 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.05 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 1,123 નો વધારો નોંધાયો છે. દર્દીઓનો રાષ્ટ્રીય રિકવરી રેટ 98.74 ટકા છે.

આંકડા અનુસાર, દૈનિક ચેપ દર 0.84 ટકા છે, જ્યારે સાપ્તાહિક ચેપ દર 0.67 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,26,20,394 લોકો સંક્રમણ મુક્ત થઈ ચુક્યા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.22 ટકા છે. જ્યારે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 193.70 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં 7 ઓગસ્ટ 2020 ના રોજ દેશમાં સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર થઈ ગયા હતા.