ભારતીય પ્રશાસને ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીના પ્રત્યાર્પણ સામે યુકેની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની પરવાનગી માંગવાના કેસમાં તેનો કાનૂની જવાબ આપ્યો છે. તેમ છતાં, બ્રિટિશ સરકારના સૂત્રોનું માનવું છે કે નીરવ મોદીનું ભારતમાં પ્રત્યાર્પણ હજી દૂરનું સ્વપ્ન છે. યુકેની અદાલતોમાં ભારત સરકાર વતી કાનૂની લડાઈ લડી રહેલી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) એ 51 વર્ષીય નીરવ મોદીની અપીલ સામે કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. સીપીસીએ પુષ્ટિ કરી કે તેઓએ 5 ડિસેમ્બરની સમયમર્યાદા પૂરી કરીને સમયસર જવાબ આપ્યો છે.

લંડનની હાઈકોર્ટ હવે સુનાવણી વગર લેખિત અપીલને મંજૂરી આપવી કે કેમ તે નક્કી કરશે. આ પ્રક્રિયામાં ઘણા અઠવાડિયા લાગી શકે છે અને આ વર્ષે પૂર્ણ થવાની અપેક્ષા નથી. નીરવ મોદીએ સામાન્ય જનતા માટે મહત્વના કાયદાના આધારે અપીલ કરી છે, જે સામાન્ય રીતે કરવામાં આવતી નથી. 2 બિલિયન ડોલરના PNB લોન કૌભાંડના આરોપી નીરવ મોદીના વકીલોએ ગયા મહિને ખરાબ માનસિક સ્વાસ્થ્યના આધારે યુકે હાઈકોર્ટમાં કેસ હારી ગયા બાદ આ અપીલ દાખલ કરી છે.

યુકે હોમ ઓફિસના સૂત્રોએ સંકેત આપ્યો છે કે તે સ્પષ્ટ નથી કે મોદીને ક્યારે અને કેવી રીતે પ્રત્યાર્પણ કરવામાં આવશે કારણ કે તેમની પાસે સજાને પડકારવા માટે હજુ પણ કાનૂની વિકલ્પો છે. જો નીરવ મોદી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં નિષ્ફળ જાય તો પણ તેની પાસે યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સ (ECHR)માં અરજી કરવાનો વિકલ્પ પણ હશે. ત્યાં તે આ આધાર પર પ્રત્યાર્પણને રોકી શકે છે કે તેની ટ્રાયલ ન્યાયી નથી.