એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના આરે આવી ગઈ છે. જો હવે ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પહોંચવું છે તો તેણે કોઈપણ સંજોગોમાં તેની છેલ્લી મેચ જીતવી પડશે, સાથે જ અન્ય મેચોના પરિણામો પર પણ નિર્ભર રહેશે. જો કે, જો પાકિસ્તાનની ટીમ આજની મેચમાં અફઘાનિસ્તાનને હરાવશે તો વાત અહીં જ સમાપ્ત થઈ જશે કારણ કે આ સ્થિતિમાં પાકિસ્તાન અને શ્રીલંકા ફાઇનલમાં પહોંચી જશે.

એશિયા કપ 2022ના સુપર-4 માટે હવે ત્રણ મેચ બાકી છે. આજે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે મેચ છે. ત્યાર બાદ ભારત અને અફઘાનિસ્તાન ટકરાશે અને છેલ્લી મેચ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે થશે. જો ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં પહોંચવું હોય તો સૌથી પહેલા આજની મેચમાં અફઘાનિસ્તાનનો વિજય જરૂરી બનશે. આ પછી ટીમ ઈન્ડિયાને આગામી મેચમાં અફઘાનિસ્તાનને હરાવવું પડશે. છેલ્લે ભારતે પણ પ્રાર્થના કરવી પડશે કે શ્રીલંકાની ટીમ પાકિસ્તાનને હરાવે.

તેની સાથે શ્રીલંકા સુપર-4 માં તેની બંને મેચ જીતીને સુપર-4 ટેબલમાં પ્રથમ સ્થાન પર રહેલી છે અને ફાઇનલમાં પહોંચવાની ખૂબ નજીક છે. જ્યારે, પાકિસ્તાનની ટીમ ભારતને હરાવીને બીજા સ્થાન પર છે. અહીં ભારત તેની બંને મેચ હારી ગયું છે અને અફઘાન ટીમ પણ શ્રીલંકા સામે મેચ હારી ગઈ છે. આવી સ્થિતિમાં, જો આજે અફઘાનિસ્તાનની ટીમ પાકિસ્તાનને હરાવશે, અને ભારત અને શ્રીલંકા પણ પાકિસ્તાનને હરાવે છે, તો ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ટીમ સુપર-4 માં એક-એક જીત અને બે હાર હશે. આવી સ્થિતિમાં નેટ રન રેટના આધારે તેમાંથી એક ટીમ ફાઇનલમાં પહોંચશે. એટલે કે જો ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે મોટી જીત નોંધાવે છે તો ફાઇનલમાં પહોંચવું શક્ય બની શકે છે. જો તેમાંથી કોઈ એક સમીકરણ ખોટું થશે તો ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.