એક તરફ ગુજરાતમાં ચૂંટણી છે તો બીજી તરફ રાહુલ ગાંધી કોંગ્રેસ માટે રાજકીય મેદાન તૈયાર કરી રહ્યા છે. ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મહાકાલના આશીર્વાદ લેવા પહોંચશે. પ્રાપ્ત માહિતી મુજબ, કોંગ્રેસની ભારત જોડો યાત્રા સવારે લગભગ 10 વાગે ઉજ્જૈન પહોંચશે. મહાકાલેશ્વરની મુલાકાત લીધા બાદ રાહુલ ગાંધી એક રેલીને પણ સંબોધિત કરશે.

જણાવવામાં આવ્યું છે કે, મહાકાલમાં દર્શન દરમિયાન રાહુલ ગાંધી સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. મંદિર પ્રશાસને તેમના આગમનની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી લીધી છે. સુરક્ષાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ ગાંધીનો કાફલો બડા ગણેશની સામેથી પસાર થશે અને મહાકાલ મંદિરના કોર્પોરેશન ગેટ પર પહોંચશે. રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ અહીંથી પ્રવેશ કરશે અને જળ દ્વારથી ગર્ભગૃહમાં પહોંચશે. પૂજા કર્યા બાદ તેઓ ગેટથી પરત ફરશે.

ઉજ્જૈનમાં ભારત જોડો યાત્રાના ભવ્ય સ્વાગત માટે કોંગ્રેસના કાર્યકરોએ તૈયારીઓ કરી લીધી છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ઉજ્જૈનના રસ્તાઓ પર રાહુલ ગાંધી અને ભારત જોડો યાત્રાના વિશાળ પોસ્ટર અને હોર્ડિંગ્સ લગાવ્યા છે. જો અહેવાલોનું માનીએ તો ઉજ્જૈન બાદ કોંગ્રેસની યાત્રા મધ્યપ્રદેશના આગર જિલ્લામાં પ્રવેશ કરશે. રાહુલ ગાંધી આગરમાં માતા બગલામુખીની મુલાકાત લેશે.

આગર જિલ્લા બાદ ભારત જોડો યાત્રા રાજસ્થાનમાં પ્રવેશ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યાત્રાને સફળ બનાવવા માટે આગરમાં લોકોને ખાસ આમંત્રણ પણ આપવામાં આવી રહ્યું છે, જેથી યાત્રામાં વધુને વધુ લોકો હાજરી નોંધાવી શકે.