૧૪ જાન્યુઆરી મકર સંક્રાતિ પછી માંગલિક કાર્યો ફરીથી શરૂ થશે. મકર સંક્રાતિના દિવસે સૂર્ય દેવતા ધન રાશિ માંથી મકર રાશિમા પ્રવેશ કરશે. મકર સંક્રાંતિને દેવતાઓનો દિવસ માનવામાં આવે છે. માટે મકરસંક્રાંતિથી ગૃહ પ્રવેશ, લગ્ન સહિત અન્ય માંગલિક કાર્યોની શરૂઆત થઈ જશે. મકર સંક્રાતિના દિવસે સ્નાન, પૂજા અને ધર્માદાનું ખાસ મહત્વ હોય છે. આ દિવસે તલ અને ગોળનું સેવન કરવું યોગ્ય ગણવામાં આવે છે.

મકર સંક્રાતિના તહેવારમાં ખાસ કરીને તલ અને ગોળમાંથી બનાવેલ લાડુ બનાવીને ખાવાની પરંપરા છે. જો કે આપણે ત્યાં તો તલના લાડુ સાથે તલ-ગોળની ચીકી ખાવાનો પણ એટલો જ ક્રેઝ છે. તલ તથા ગોળનું કચરિયુ પણ લોકોને ખૂબ ભાવતું હોય છે.

પુરાણો મુજબ મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિના ઘરે એક મહિના માટે રહેવા જાય છે. કારણ કે મકરરાશિનો સ્વામી શનિ છે. જો કે જ્યોતિષીય દ્રષ્ટિથી સૂર્ય અને શનિનો મેળાપ શક્યત નથી, પણ આ દિવસે સૂર્ય પોતે પોતાના પુત્રના ઘરે જાય છે. તેથી પુરાણોમાં આ દિવસ પિતા-પુત્રના સબંધોમાં નિકટતાની શરૂઆતના રૂપમાં જોવામાં આવે છે.

મકર સંક્રાતિના દિવસે ભગવાન વિષ્ણુએ અસુરોનો અંત કરીને યુદ્ધ સમાપ્તિની જાહેરાત કરી હતી. તેમણે બધા અસૂરોના મસ્તકને મદાર પર્વતમાં દબાવી દીધા હતા. તેથી આ દિવસ દુર્ગુણો અને નકારાત્મકતાનો અંત કરવાનો દિવસ પણ કહેવાય છે.

ગંગા,યમુના અને સરસ્વતીના સંગમ પર પ્રયાગમાં મકરસંક્રાંતિ પર્વના દિવસે દરેક દેવી- દેવતા પોતાનું સ્વરૂપ બદલીને સ્નાન માટે આવે છે. આ માટે ત્યાં મકરસંક્રાંતિ પર્વના દિવસે સ્નાન કરવું બહુ જ પુણ્યશાળી માનવામાં આવે છે. એક અન્ય પુરાણ મુજબ ગંગાને ઘરતી પર લાવનારા મહરાજ ભગીરથે પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કર્યુ હતુ. તેમનું તર્પણ સ્વીકાર કર્યા બાદ આ દિવસે ગંગા સમુદ્રમાં જઈને ભળી હતી. તેથી મકરસંક્રાતિના રોજ ગંગા સાગરમાં મેળો ભરાય છે.