રાજસ્થાનમાંથી ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના સીકર જિલ્લાના ફતેહપુર વિસ્તારમાં એક ચોરે ત્રણ દુકાનોના તાળા તોડીને ચોરી કરી હતી. પરંતુ તે વ્યક્તિએ ત્રણેય દુકાનમાંથી માત્ર 20 રૂપિયાની જ ચોરી કરી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ જોયા બાદ શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા ચોરની પુછપરછ કરવામાં આવી હતી. તેમાં ચોર દ્વારા ચોરી કરવાનું કારણ જણાવતા કહ્યું હતું કે, તેને કુરકુરે ખાવાની ઈચ્છા જણાવી હતી. આ સાંભળી પોલીસ પણ ચકિત થઈ ગઈ હતી.

પોલીસનું માનવું છે કે, આ વ્યક્તિ માનસિક રીતે નબળો છે. તેને સારવારની જરૂરીયાત છે. સબ ઈન્સ્પેક્ટર ઉદય સિંહે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘જો તેનાથી કોઈ વાત પૂછીએ તે તો સારી રીતે તે બોલી પણ શકતો નહોતો. પરંતુ તેનાથી એ જાણી શકાયું કે, એક રાત્રે ત્રણ દુકાનના તાળા તોડ્યા હતા. હવે અમે તેમના પરિવારને બોલાવીશું અને કહીશું કે, તેની સારવાર કરાવે. આ યોગ્ય રીતે વાત પણ કરી શકતો નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોડી રાત્રે સીકર જિલ્લાના ફતેહપુર વિસ્તારમાં કપડાંની ત્રણ દુકાનોના તાળા તૂટ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સીસીટીવી ફૂટેજ દ્વારા તપાસ શરૂ કરી હતી. સીસીટીવીમાં એક શખ્સ ચોરી કરી રહ્યો હતો. આ વ્યક્તિની ઓળખ આસિફ તરીકે થઈ હતી. પોલીસે પણ વિલંબ કર્યા વિના આસિફને પકડી લીધો હતો. પરંતુ પોલીસને ત્યારે આશ્ચર્ય થયું જ્યારે વ્યક્તિએ કહ્યું કે, તેણે ત્રણ દુકાનોના તાળા તોડીને માત્ર 20 રૂપિયાની ચોરી કરી છે. અને તાળાઓ તોડવાનું કારણ ભચાઉ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.