વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કુનો નેશનલ પાર્કમાં નામીબિયામાંથી ચિત્તાઓને મુક્ત કર્યા પછી રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેમણે કહ્યું, જૈવવિવિધતાની વર્ષો જૂની કડી જે દાયકાઓ પહેલા તૂટી ગઈ હતી, આજે આપણને તેને ફરીથી જોડવાની તક મળી છે. પીએમએ કહ્યું, આજે ચિત્તાઓ ભારતની ધરતી પર પાછા ફર્યા છે અને આ ચિતાઓની સાથે ભારતની પ્રકૃતિપ્રેમી ચેતના પણ પુરી તાકાતથી જાગી છે.

પીએમએ કહ્યું, હું આપણા મિત્ર દેશ નામીબિયા અને ત્યાંની સરકારનો પણ આભાર માનું છું, જેમના સહયોગથી ચિતાઓ દાયકાઓ પછી ભારતની ધરતી પર પાછા ફર્યા છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે અમે 1952 માં દેશમાંથી ચિત્તાઓને લુપ્ત જાહેર કર્યા હતા, પરંતુ દાયકાઓ સુધી તેમના પુનર્વસન માટે કોઈ અર્થપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો.

વડાપ્રધાને કહ્યું કે, આજે આઝાદીના અમૃતમાં હવે દેશ નવી ઉર્જા સાથે ચિતાઓનું પુનર્વસન કરવા લાગ્યું છે. જ્યારે પ્રકૃતિ અને પર્યાવરણ સુરક્ષિત છે તો આપણું ભવિષ્ય પણ સુરક્ષિત છે. વિકાસ અને સમૃદ્ધિના માર્ગો પણ ખુલે છે. પીએમે કહ્યું, જ્યારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તા ફરી દોડશે, ત્યારે અહીંની ઇકોસિસ્ટમ ફરીથી મજબૂત થશે અને જૈવવિવિધતા વધશે.

દેશવાસીઓએ ધીરજ દાખવવી પડશે

પીએમે કહ્યું કે કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવેલા ચિત્તાઓને જોવા માટે દેશવાસીઓએ થોડા મહિનાઓ સુધી ધીરજ બતાવવી પડશે. આજે આ ચિતાઓ મહેમાન બનીને આ વિસ્તારથી અજાણ છે. આ ચિત્તાઓ કુનો નેશનલ પાર્કને પોતાનું ઘર બનાવી શકે તે માટે આપણે આ ચિત્તાઓને થોડા મહિનાનો સમય પણ આપવો પડશે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય દિશાનિર્દેશોનું પાલન કરીને, ભારત આ ચિત્તાઓને વસાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે. આપણે આપણા પ્રયત્નોને નિષ્ફળ ન થવા દેવા જોઈએ.

એશિયાઈ સિંહોની વસ્તી વધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણા દેશમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. આજે ગુજરાત દેશમાં એશિયાટીક સિંહોના વિશાળ વિસ્તાર તરીકે ઉભરી આવ્યું છે. આની પાછળ દાયકાઓની મહેનત, સંશોધન આધારિત નીતિઓ અને જનભાગીદારીની મોટી ભૂમિકા છે. વાઘની સંખ્યા બમણી કરવાનો લક્ષ્‍યાંક સમય પહેલા હાંસલ કરવામાં આવ્યો હતો. આસામમાં એક શિંગડાવાળા ગેંડાનું અસ્તિત્વ એક સમયે ખતરામાં હતું, પરંતુ આજે તેમની સંખ્યા પણ વધી ગઈ છે. છેલ્લા વર્ષોમાં હાથીઓની સંખ્યા પણ વધીને 30 હજારથી વધુ થઈ ગઈ છે. PMએ કહ્યું, દેશના આ પ્રયાસોની અસર આવનારી સદીઓ સુધી જોવા મળશે અને પ્રગતિના નવા માર્ગો પ્રશસ્ત કરશે.