મોંઘવારીથી ત્રસ્ત લોકોને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ દિવસે મોટી રાહત મળી છે. ગુરુવારે (1 સપ્ટેમ્બર) એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ભારે ઘટાડો કરવામાં આવ્યો છે.

જો કે, કિંમતોમાં આ ઘટાડો માત્ર કોમર્શિયલ સિલિન્ડર પર જ થયો છે, જ્યારે 14.2 kg ઘરેલું LPG સિલિન્ડર જૂના દરે ઉપલબ્ધ છે. LPG કોમર્શિયલ સિલિન્ડર (19 kg) ની કિંમત દિલ્હીમાં 91.50 રૂપિયા અને કોલકાતામાં રૂપિયા 100 ઘટી છે. કોમર્શિયલ સિલિન્ડર મુંબઈમાં 92.50 રૂપિયા અને ચેન્નાઈમાં 96 રૂપિયા સુધી સસ્તા થયા છે.

14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર 6 જુલાઈના દરે મળવાનું ચાલુ રહેશે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં છેલ્લો ફેરફાર 6 જુલાઈએ કરવામાં આવ્યો હતો. જુલાઈમાં દેશભરમાં તેમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. દેશના મોટાભાગના શહેરોમાં હવે સરકાર દ્વારા ગેસ સિલિન્ડર પર સબસિડી આપવામાં આવી રહી નથી. જેથી હવે લોકોએ સબસિડી વગર સિલિન્ડર ખરીદવું પડશે. સરકાર માત્ર એવા લાભાર્થીઓને જ LPG સબસિડી આપી રહી છે જેઓ ઉજ્જવલા યોજના હેઠળ મફત LPG કનેક્શન મેળવે છે. આ વર્ષે એલપીજી ઘરેલુ ગેસના ભાવમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો છે. જુલાઈ પહેલા 7 મેના રોજ સિલિન્ડર દીઠ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.