રણજી ટ્રોફીની પ્રથમ સેમિફાઇનલમાં બંગાળને હરાવીને મધ્યપ્રદેશે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. રસપ્રદ વાત એ છે કે, મધ્યપ્રદેશની ટીમે 23 વર્ષ બાદ રણજી ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી છે. રણજી ટ્રોફીના ઈતિહાસમાં અગાઉ મધ્યપ્રદેશની ટીમ 1999 માં કર્ણાટક સામે ફાઈનલ રમી હતી. મધ્યપ્રદેશ ફાઈનલમાં મુંબઈ અને ઉત્તર પ્રદેશ વચ્ચેની બીજી સેમીફાઈનલના વિજેતા સામે રમશે. મધ્યપ્રદેશે સેમિફાઇનલમાં બંગાળને 174 રનથી હરાવી દીધું હતું.

સેમીફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતા મધ્યપ્રદેશે હિમાંશુ મંત્રીના 165 રનના લીધે પ્રથમ દાવમાં તમામ વિકેટ ગુમાવીને 341 રન બનાવ્યા હતા. જવાબમાં બંગાળની ટીમ મનોજ તિવારી અને શાહબાઝ અહેમદની સદી છતાં માત્ર 273 રનમાં જ સમેટાઈ ગઈ હતી. મધ્યપ્રદેશે પ્રથમ દાવના આધારે 68 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં મધ્યપ્રદેશની ટીમ 281 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મધ્યપ્રદેશે બંગાળ સામે જીતવા માટે 350 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. પરંતુ બંગાળની ટીમ બીજા દાવમાં માત્ર 175 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

બંગાળની બીજી ઇનિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને પ્રથમ જ બોલ પર ઓપનર અભિષેક રમણને કાર્તિકેયે આઉટ કરી દીધા હતા. સુદીપ કુમાર ધારામી અને અભિમન્યુ ઇશ્વરને 49 રન બનાવી જેને સાર્શન જૈને તોડી હતી. ગત મેચનો સેન્ચુરવીર ધારમી 32 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો.

અભિષેક પોરેલ અને મનોજ તિવારીએ સાત રન બનાવ્યા હતા અને કાર્તિકેયના બોલ પર વિકેટ ગુમાવી દીધી હતી. બંગાળના નવ બેટ્સમેનોએ ક્વાર્ટર ફાઇનલમાં અડધી સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ આજે મધ્યપ્રદેશના બોલરોની શિસ્તબદ્ધ બોલિંગ સામે ટોપ ઓર્ડર ટકી શક્યો નહોતો. બીજી ઇનિંગમાં અભિમન્યુ ઇશ્વરને સૌથી વધુ 78 રન બનાવ્યા હતા. બંગાળની ટીમ તેના ચોથા દિવસનો સ્કોર 96/4 રમવા ઉતરી હતી અને છેલ્લા દિવસે માત્ર 79 રન ઉમેરીને તેની 6 વિકેટ ગુમાવી દીધી હતી.