મહારાષ્ટ્ર સરકારે તેના એક વિભાગ સાથે જોડાયેલા કર્મચારીઓને ખુશખબર આપી છે. સરકારે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)ના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 6 ટકાના વધારાને મંજૂરી આપી છે. હવે આ સાથે MSRTC કર્મચારીઓ માટે DA વધીને 34 ટકા થઈ જશે.

આ નિર્ણય પર, MSRTCના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર શેખર ચન્નેએ કહ્યું કે સરકારે DA વર્તમાન 28 ટકાથી વધારીને 34 ટકા કરવાની મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે પગારમાં આ નવા વધારા માટે રાજ્યની માલિકીની જાહેર પરિવહન સંસ્થાઓએ દર મહિને 15 કરોડ રૂપિયાનો વધારાનો નાણાકીય બોજ ઉઠાવવો પડશે.

જયારે, આ નિર્ણય પર સંઘના નેતા શ્રીરંગ બર્ગેએ કહ્યું કે તેઓ આ નિર્ણયથી ખુશ છે કારણ કે તે ચાર મહિનાથી પેન્ડિંગ હતો. બાર્ગે જણાવ્યું હતું કે MSRTC કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થાનું એરિયર્સ મળવું જોઈએ કારણ કે રાજ્ય સરકારે લાંબા સમયથી તે ચૂકવ્યું નથી. કોર્પોરેશન પાસે 80,000 થી વધુ કર્મચારીઓનું કાર્યબળ છે.

જણાવી દઈએ કે ગયા વર્ષે, MSRTC કર્મચારીઓ રાજ્ય સરકાર સાથે કોર્પોરેશનના વિલીનીકરણ સહિત વિવિધ માંગણીઓ માટે પાંચ મહિનાથી વધુ સમયથી હડતાળ પર હતા. જયારે, MSRTC એ 16,000 થી વધુ બસોના કાફલા સાથે દેશની સૌથી મોટી સરકારી માલિકીની જાહેર પરિવહન ઉપક્રમોમાંની એક છે.