મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 48 વર્ષીય મહિલાનું મોત થયું છે, જ્યારે 12 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી ત્રણની હાલત ગંભીર રહેલ છે. બલ્હારશાહ રેલવે સ્ટેશન પર આ અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના બલહારશાહ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો. બ્રિજની ઊંચાઈ લગભગ 60 ફૂટ હોવાનું કહેવાય છે. દુર્ઘટના સમયે તેના પર ઘણા લોકો હાજર હતા. અકસ્માત સમયે લોકો 60 ફૂટની ઊંચાઈથી રેલવે ટ્રેક પર પડ્યા હતા. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

સરકારી રેલ્વે પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પુણે જતી ટ્રેનમાં ચઢવા માટે મોટી સંખ્યામાં મુસાફરો FOB નો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે તેનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. પરિણામે કેટલાક લોકો રેલવે ટ્રેક પર પડ્યા હતા. જિલ્લા માહિતી કચેરીએ જણાવ્યું કે, આ ઘટનામાં 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેઓને બલ્લારપુર ગ્રામીણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમાંથી કેટલાકને બાદમાં ચંદ્રપુર સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (GMCH)માં ખસેડવામાં આવ્યા હતા.

ચંદ્રપુર જિલ્લા કલેક્ટર વિનય ગૌડાએ જણાવ્યું હતું કે, લગભગ ચાર મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેઓ જીએમસીએચમાં સારવાર હેઠળ છે. જિલ્લા પ્રશાસન અને પોલીસકર્મીઓ ઘાયલોની મદદ કરી રહ્યા છે. વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, ચંદ્રપુરના પાલક મંત્રી સુધીર મુનગંટીવારે હોસ્પિટલ સત્તાવાળાઓને ઈજાગ્રસ્ત લોકોને તમામ જરૂરી તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો અને ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો.

એક સમાચાર યાદીમાં, સેન્ટ્રલ રેલ્વે (CR) એ માહિતી આપી હતી કે, પ્લેટફોર્મ નંબર 1 અને 2 ને જોડતા FOB ના પ્રી-કાસ્ટ સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો હતો, પરંતુ પુલનો બીજો ભાગ બરાબર છે. બલ્હારપુર રેલ્વે સ્ટેશન ચંદ્રપુર જિલ્લાના મુખ્ય મથકથી લગભગ 12 કિમી દૂર આવેલું છે.

મધ્ય રેલવેના સીપીઆરઓ શિવાજી સુતારે જણાવ્યું હતું કે, નાગપુર ડિવિઝનમાં બલ્હારશાહ ખાતે ફૂટ ઓવર બ્રિજના પ્રી-કાસ્ટ સ્લેબનો એક ભાગ રવિવારે સાંજે લગભગ 5.10 વાગ્યે તૂટી પડ્યો હતો. રેલવેએ ગંભીર રીતે ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા અને સાધારણ ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.