ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં હઝરતગંજ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતાં 9 લોકોના મોત નીપજ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે એક ઘરની દિવાલ હતી. આ ઘટનામાં બે બાળકોના પણ મોત થયા હતા. ઘટનાની જાણકારી મળ્યા બાદ સીએમ યોગીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાની રાહત રકમ આપવાની પણ સૂચના આપવામાં આવી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, ભારે વરસાદને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. લખનૌમાં ગઈકાલથી સતત વરસાદ પડી રહ્યો છે. દિવાલનો કાટમાળ હટાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. સીએમ યોગીએ પોતે ડીએમ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપી હતી. વરસાદના કારણે રાહત કાર્યમાં મુશ્કેલી પડી રહી છે. સીએમ ઇજાગ્રસ્તોને મળવા હોસ્પિટલ પહોંચી રહ્યા છે.

હઝરતગંજ વિસ્તારમાં ઘણા જૂના મકાનો છે. આ ઘર લગભગ 100 વર્ષ જૂના કહેવામાં આવી રહ્યા છે. વરસાદના કારણે ઘરની આખી દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં 15 જેટલા લોકો દટાયા હતા. આ સમગ્ર વિસ્તારમાં ઘણી નાની ગલીઓ છે, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. કામ ઝડપી બનાવવા અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

લખનૌમાં ભારે વરસાદને કારણે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. સીએમ યોગીએ પણ સતર્ક રહેવા સૂચના આપી છે. આ દરમિયાન, લખનૌના રહેવાસીઓનો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. મુશળધાર વરસાદ અને પાણી ભરાવાને કારણે ડિવિઝનલ કમિશનર રોશન જેકબે આ નંબર જાહેર કર્યો છે. વરસાદના કારણે કોઈ અકસ્માત કે ફસાઈ જવાના કિસ્સામાં, તમે ટોલ ફ્રી નંબર 1533 અને 9151055671/9151055672/915105673 પર કોલ કરી શકો છો.