ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાએ ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે ભાજપ પર ફોન ટેપિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે આ અંગે બીએસએનએલ અને એમટીએનએલને ફરિયાદ કરી છે. આલ્વાએ ટ્વિટર પર દાવો કર્યો હતો કે, તેમણે આગામી ચૂંટણીમાં તેમનું સમર્થન મેળવવા માટે ભાજપના નેતાઓને ફોન કર્યો હતો, પરંતુ કલાકો પછી ફોન કોલ્સ ડાયવર્ટ થવા લાગ્યા હતા.

તેમને જણાવ્યું છે કે, ભાજપના લોકોને ફોન કર્યા બાદ મારા મોબાઈલ પર તમામ કોલ્સ ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે અને હું કોલ્સ કરવા કે રિસીવ કરવામાં અસમર્થ છું. જો મારો ફોન પુનઃસ્થાપિત થાય છે, તો હું વચન આપું છું કે ભાજપ, ટીએમસી અથવા બીજેડીના કોઈપણ સાંસદને ફોન નહીં કરું.

માર્ગારેટ આલ્વાએ કટાક્ષ કરતા દાવો કર્યો હતો કે, આ ‘નવા’ ભારતમાં પાર્ટી લાઇનના નેતાઓ વચ્ચેની વાતચીત છે, કોઈ તેમને હંમેશા જોઈ અને સાંભળે છે. આ ડરને કારણે પાર્ટીના નેતાઓ અને સાંસદો ઘણા ફોન રાખે છે અને વારંવાર નંબર બદલતા રહે છે. જ્યારે તેઓ એકબીજાને મળે છે ત્યારે પણ તેઓ ફફડાટમાં વાત કરે છે. આ ભય લોકશાહીને મારી નાખે છે, એમ તેમણે કહ્યું હતું.

આ મામલે BSNL તરફથી જવાબ આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, માર્ગારેટ આલ્વા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.

માર્ગારેટ આલ્વાના આરોપો બાદ ભાજપે વળતો પ્રહાર કર્યો હતો. બીજેપી નેતા અજય મિશ્રા ‘ટેની’ એ કહ્યું, “નિરાશ લોકો આવી વાત કરે છે. કોઈ તેમના ફોનને ટેપ કરીને શું મેળવશે? તેના જીતવાની કોઈ શક્યતા નથી. લોકો નિરાશામાં આવા નિવેદનો કરે છે.