મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ને ફરી એક મોટી સફળતા મળી છે. બ્યુરોએ ગુજરાતના જામનગર અને મુંબઈના એક ગોડાઉનમાંથી રૂ. 120 કરોડની કિંમતનો 60 કિલો નાર્કોટિક ડ્રગ મેફેડ્રોન જપ્ત કર્યો છે. આ કેસમાં એર ઈન્ડિયાના પૂર્વ પાઈલટ સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

NCB ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એસકે સિંહે શુક્રવારે આ જાણકારી આપી છે. સિંહે જણાવ્યું હતું કે, આ એમડી ડ્રગ મુંબઈ અને જામનગરના એક વેરહાઉસમાંથી જપ્ત કરવામાં આવ્યું હતું. બાતમીના આધારે ગોદામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. NCBએ આ ડ્રગ સ્મગલિંગ ગેંગનો પર્દાફાશ કર્યો હતો અને કિંગપીન સહિત 6 લોકોની ધરપકડ કરી હતી.

એનસીબીના ડીડીજી સિંઘે જણાવ્યું હતું કે, શરૂઆતમાં જામનગરના નેવલ ઈન્ટેલિજન્સ યુનિટે એમડી ડ્રગ્સના વેચાણ અને ખરીદી અંગે માહિતી આપી હતી. એનસીબી અને નેવલ ઈન્ટેલિજન્સ યુનિટે આ માહિતી પર સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. આ માહિતીના આધારે જામનગરમાંથી 10.350 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.