ભારતીય વાયુસેનાનું મિગ-21 વિમાન રાજસ્થાનના બાડમેરમાં ક્રેશ થયું છે. બાડમેરના ભીમડા ગામમાં મિગ-21 ક્રેશ થયું છે. લોકોએ જોરદાર ધડાકા સાથે આગની વિશાળ જ્વાળાઓ જોઈ હતી. મિગ-21 ક્રેશની જાણ થતાં ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. પ્લેનનો કાટમાળ પણ અડધા કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાઈ ગયો હતો. વહીવટીતંત્ર ઘટનાસ્થળે રવાના થઈ ગયું હતું. આ અકસ્માતમાં બંને પાયલોટ શહીદ થયા હતા.

દુર્ઘટના બાદ એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. વાયુસેનાએ કહ્યું કે, અકસ્માત અંગે તથ્યો એકત્રિત કરવામાં આવી રહ્યા છે. બાડમેર જિલ્લા કલેક્ટર લોક બંધુએ જણાવ્યું હતું કે, “તે એરફોર્સનું વિમાન હતું જે ભીમડા ગામ પાસે ક્રેશ થયું હતું.”

ભારતીય વાયુસેનાએ જણાવ્યું હતું કે, મિગ-21 ટ્રેનર એરક્રાફ્ટના બંને પાયલટોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. ભારતીય વાયુસેના ખૂબ જ ખેદ વ્યક્ત કરે છે અને પીડિત પરિવારોની સાથે મજબૂત રીતે ઉભો છે. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સાથે ફાઈટર પ્લેન ક્રેશ થવા પર વાત કરી હતી. વાયુસેના પ્રમુખે તેમને આ ઘટના વિશે વિગતવાર માહિતી આપી છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, “રાજસ્થાનના બાડમેર પાસે ભારતીય વાયુસેનાના મિગ-21 ટ્રેનર એરક્રાફ્ટમાં બે એર યોદ્ધાઓની ખોટથી ખૂબ જ દુઃખી છું. રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવાને ક્યારેય ભૂલી શકાશે નહીં. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.”

મિગ Mi-21 બાઇસન એરક્રાફ્ટને ભારતીય વાયુસેના દ્વારા 1960 ના દાયકામાં સામેલ કરવાનું શરૂ થયું હતું. ભારતીય વાયુસેનાએ વર્ષો દરમિયાન વિવિધ અકસ્માતોમાં અનેક મિગ-21 એરક્રાફ્ટ અને અન્ય એરક્રાફ્ટ ગુમાવ્યા છે. હાલમાં ભારતીય વાયુસેના પાસે મિગ-21 બાઇસનની લગભગ છ સ્ક્વોડ્રન છે અને એક સ્ક્વોડ્રનમાં લગભગ 18 વિમાનોનો સમાવેશ થાય છે.