વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને શુક્રવારે જમ્મુ-કાશ્મીર માટે અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં 7.72 લાખ મતદારો ઉમેરાયા છે, જે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. J & K સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી અનિલ સાલગોત્રાએ જણાવ્યું હતું કે, અંતિમ મતદાર યાદીમાં 83,59,771 મતદારો છે, જેમાં 42,91,687 પુરૂષો, 40,67,900 સ્ત્રીઓ અને 184 ‘થર્ડ જેન્ડર’ ના નાગરિકોનો સમાવેશ થાય છે.

મતદાર યાદી પ્રસિદ્ધ થતાં જ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થયો છે. તેમણે કહ્યું, “અંતિમ મતદાર યાદીમાં 7,72,872 મતદારો ઉમેરવામાં આવ્યા છે, જેનો અર્થ છે કે ડ્રાફ્ટ લિસ્ટમાં નોંધાયેલા મતદારોમાં 10.19 ટકાનો ચોખ્ખો વધારો થયો છે.” સાલગોત્રાએ કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે, 11 લાખ ખાસ સુધારણા અભિયાન દરમિયાન મતદારયાદીમાં નામોનો સમાવેશ કરવા માટે 100 થી વધુ અરજીઓ મળી હતી.

આ સમયગાળા દરમિયાન, કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાર યાદીમાં નામોનો સમાવેશ કરવા માટે ફોર્મ VI દ્વારા રેકોર્ડ 11,40,768 દાવાઓ પ્રાપ્ત થયા હતા. તેમાંથી 11,28,672 દાવા સ્વીકારવામાં આવ્યા હતા અને માત્ર 12,096 દાવાઓ નકારી કાઢવામાં આવ્યા હતા. તેમાં 18-19 વય જૂથમાં સમાવેશ માટે 3,01,961 દાવાઓનો સમાવેશ થાય છે. દૂર કરવા માટેની કુલ 4,12,157 વિનંતીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી 3,58,222 સ્વીકારવામાં આવી હતી અને 53,935 નકારી કાઢવામાં આવી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્રશાસિત પ્રદેશમાં 613 નવા મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અંતિમ મતદાર યાદીનો લિંગ ગુણોત્તર 921 થી વધીને 948 થયો છે.

સાલગોત્રાએ કહ્યું છે કે, લિંગાનુંપાતમાં 27 પોઈન્ટનો નોંધપાત્ર વધારો થયો છે અને તે 948 છે, જે જમ્મુ અને કાશ્મીરની વસ્તી ગણતરીના લિંગ ગુણોત્તર કરતા ઘણો વધારે છે. 15 સપ્ટેમ્બરથી 25 ઓક્ટોબર સુધી એટલે કે 40 દિવસના સમયગાળા માટે દાવા અને વાંધાઓ સ્વીકારવામાં આવ્યા હતા. આ પછી, તમામ દાવાઓ અને વાંધાઓના નિકાલ માટે 10 નવેમ્બર સુધી 15 દિવસનો સમયગાળો રાખવામાં આવ્યો હતો.