RSS નેતાના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકાયો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

શનિવારે ચેન્નાઈ નજીક તાંબરમમાં RSS નેતાના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. જો કે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી કે જાનમાલને કોઈ મોટું નુકસાન થયું નથી. પોલીસે આ માહિતી આપી હતી.
તમિલનાડુ પોલીસે જણાવ્યું કે તાંબરમના ચિતલપક્કમ ખાતે આરએસએસ કાર્યકર સીતારમણના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. પેટ્રોલ બોમ્બ ફેંકનારા બે અજાણ્યા લોકોને પકડવાના પ્રયાસો ચાલુ છે.
62 વર્ષીય સીતારમણ આરએસએસના જિલ્લા સંયોજક છે. જ્યારે પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો ત્યારે તે પરિવાર સાથે ઘરની અંદર હતા. અવાજ સાંભળીને પરિવારના તમામ સભ્યો બહાર આવી ગયા હતા.
આરએસએસના નેતાએ જણાવ્યું કે, સવારે લગભગ ચાર વાગ્યે અમે જોરદાર અવાજ સાંભળ્યો અને બહાર આગ જોઈ હતી. અમે વિચારી રહ્યા હતા કે શોર્ટ સર્કિટ છે પરંતુ એવું નથી. અમે આગ પર કાબુ મેળવ્યો અને પોલીસ અધિકારીઓને જાણ કરી હતી.
મામલાની માહિતી મળતાં જ ચિતલપક્કમના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે, તેમના ઘર આગળ ટુ-વ્હીલર પર આવેલા બે વ્યક્તિઓએ પેટ્રોલ ભરેલી બોટલને આગ ચાંપી દીધી હતી અને બોટલ ઘરની અંદર ફેંકી દીધી હતી.
પલ્લીકરનાઈના ડેપ્યુટી કમિશનર જોસ થંગૈયાએ તે સ્થળનું નિરીક્ષણ કર્યું જ્યાં પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. તેણે અનેક લોકોની પૂછપરછ કરી હતી. ઘટના બાદ તાંબારામ વિસ્તારમાં સનાટો થઈ ગયો હતો.
આ પહેલા શુક્રવારે રાત્રે તમિલનાડુના કુનિયામુથુર શહેરમાં બીજેપી કાર્યકર સરથના ઘરે પણ બોટલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ હુમલામાં એક કારને નુકસાન થયું હતું. તેવી જ રીતે ગુરુવારે ભાજપ કાર્યાલય પર જ્વલનશીલ સામગ્રી ભરેલી બોટલો ફેંકવામાં આવી હતી.
આ પછી ભાજપના કાર્યકરોએ દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી હતી. બીજેપીના મતે આ એક આતંકવાદી હુમલો હતો.