વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 5G સેવા શરૂ કરી છે. દેશમાં 5G સેવા શરૂ થયા બાદ કોમ્યુનિકેશન ક્રાંતિનો નવો યુગ શરૂ થયો છે. આજથી દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સહિત દેશના 13 શહેરોમાં 5G સેવા ઉપલબ્ધ થઈ ગઈ છે. આ સીમલેસ કવરેજ, ઉચ્ચ ડેટા દર, ઓછી વિલંબતા અને અત્યંત વિશ્વસનીય સંચાર પ્રણાલીને સરળ બનાવશે.

વડાપ્રધાન મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં 5G સેવા શરૂ કરી છે. આ દરમિયાન પીએમ મોદી સાથે ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ, રિલાયન્સ કંપનીના મુકેશ અંબાણી અને ભારતી એન્ટરપ્રાઈઝના ચેરમેન સુનીલ ભારતી હાજર હતા.

પીએમ મોદીએ કાર્યક્રમમાં બોલતા કહ્યું કે આજે 130 કરોડ ભારતીયોને દેશના ટેલિકોમ ઉદ્યોગ તરફથી 5જીના રૂપમાં એક શાનદાર ભેટ મળી રહી છે. 5G સેવા દેશના દરવાજા પર એક નવા યુગની દસ્તક છે. 5G સેવા એ તકોના અનંત આકાશની શરૂઆત છે. હું દરેક ભારતીયને આ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

દેશના 13 શહેરો જ્યાં પ્રથમ 5G સેવા શરૂ કરવામાં આવી છે. તેમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નાઈ, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, કોલકાતા, જામનગર, લખનૌ, પુણે જેવા શહેરોનો સમાવેશ થાય છે. બે વર્ષ બાદ 5G સેવાનો સમગ્ર દેશમાં ઝડપથી વિસ્તરણ કરવામાં આવશે.