વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી જી-20 સમિટમાં ભાગ લેવા સોમવારે ઇન્ડોનેશિયાના બાલી પહોંચ્યા હતા. પીએમ મોદીનું વિશેષ વિમાન રાત્રે 8 વાગ્યે બાલી એરપોર્ટ પર લેન્ડ થયું હતું. ત્યાં ભારતીય પીએમનું ભવ્ય પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી આજે સમિટના સત્રમાં ભાગ લઈ રહ્યા છે. આજે પીએમ મોદીની કેટલાક વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ નિર્ધારિત છે. તેમણે G-20 સમિટમાં ભારતની સિદ્ધિઓ ગણાવી હતી.

ઇન્ડોનેશિયાના બાલીમાં અપૂર્વ કેમ્પિન્સકી હોટેલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે યુએસ પ્રમુખ જો બિડેન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને અન્ય નેતાઓ હાજર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ જો બિડેન ઇન્ડોનેશિયાના બાલીમાં G20 સમિટ દરમિયાન વાતચીત કરી રહ્યા છે. પીએમઓએ આ અંગે માહિતી આપી હતી. આ તસવીરોમાં પણ જોઈ શકાય છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બિડેન ખૂબ જ ઉષ્મા સાથે મળ્યા હતા.

G-20 સમિટમાં પીએમ મોદીએ કહ્યું, ‘મેં હંમેશા કહ્યું છે કે આપણે યુક્રેનમાં યુદ્ધવિરામ અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાનો માર્ગ શોધવો પડશે. છેલ્લી સદીમાં, વિશ્વ યુદ્ધ-II એ વિશ્વમાં તબાહી મચાવી દીધી હતી, ત્યારબાદ તે સમયના નેતાઓએ શાંતિનો માર્ગ અપનાવવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો. હવે આપણો વારો છે.

ઇન્ડોનેશિયાના બાલીમાં આયોજિત G20 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજની ખાતરની અછત આવતીકાલની ખાદ્ય કટોકટી છે, જેનો વિશ્વ પાસે કોઈ ઉકેલ નથી. ખાતર અને અનાજ બંનેની સપ્લાય ચેઇન સ્થિર અને ખાતરીપૂર્વક રાખવા માટે આપણે પરસ્પર સમજૂતી કરવી જોઈએ.

બાલીમાં G-20 સમિટમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે વૈશ્વિક વિકાસ માટે ભારતની ઊર્જા સુરક્ષા મહત્વપૂર્ણ છે, કારણ કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આપણે ઉર્જા પુરવઠા પર કોઈ નિયંત્રણોને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં અને ઊર્જા બજારમાં સ્થિરતા સુનિશ્ચિત કરવી જોઈએ.