વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોચીમાં કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત દેશનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત નેવીને સમર્પિત કર્યું. ભારતના દરિયાઈ ઈતિહાસમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું યુદ્ધ જહાજ છે. PM મોદીએ કોચીન શિપયાર્ડ ખાતે 20,000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ સ્વદેશી અત્યાધુનિક ઓટોમેટિક સાધનો સાથે એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને કાર્યરત કર્યું.

વડાપ્રધાને આ કાર્યક્રમ દરમિયાન નવા નૌકા ધ્વજ (ચિહ્ન)નું પણ અનાવરણ કર્યું હતું. ભારતીય નૌકાદળનું નવું પ્રતીક છત્રપતિ શિવાજીના નૌકા ચિહ્નથી પ્રેરિત છે, જે વસાહતી ભૂતકાળને છોડીને સમૃદ્ધ ભારતીય દરિયાઈ વારસાને અનુરૂપ છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, સીએમ પિનરાઈ વિજયન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, નેવી ચીફ એડમિરલ આર. હીરાકુમાર તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે પાણીનું ટીપું ટીપું વિશાળ સમુદ્ર જેવું બની જાય છે. તેવી જ રીતે જો ભારતનો દરેક નાગરિક ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને જીવવા લાગે તો દેશને આત્મનિર્ભર થવામાં વધુ સમય લાગશે નહીં. ભૂતકાળમાં, ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને હિંદ મહાસાગરમાં સુરક્ષાની ચિંતાઓને લાંબા સમયથી અવગણવામાં આવી છે. પરંતુ, આજે આ ક્ષેત્ર આપણા માટે દેશની એક મોટી સંરક્ષણ પ્રાથમિકતા છે. એટલા માટે અમે નેવી માટે બજેટ વધારવાથી લઈને તેની ક્ષમતા વધારવા સુધી દરેક દિશામાં કામ કરી રહ્યા છીએ.