મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઈન્દાપુર તાલુકાના કડબનવાડી ગામમાં આજે સવારે સાડા અગિયાર વાગ્યે એક તાલીમાર્થી વિમાન એક ખેતરમાં તૂટી પડ્યું હતું. આ પ્લેન ઉડાવનાર 22 વર્ષીય ટ્રેઇની મહિલા પાયલટ ઘાયલ થઇ હતી. ક્રેશ થયેલું ટ્રેનિંગ એરક્રાફ્ટ એક સીટર હતું. ખાનગી એવિએશન સ્કૂલ રેડબર્ડ એવિએશનના આ વિમાને પુણેના બારામતી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પાયલટ ભાવના રાઠોડને સામાન્ય ઈજા થઈ છે અને તેને સારવાર માટે શેલગાંવની નવજીવન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જો કે વિમાનને સંપૂર્ણ નુકસાન થયું હતું. ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ઈમરજન્સી સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

પુણે જિલ્લાના એસપી અભિનવ દેશમુખના જણાવ્યા અનુસાર, ઉડાન દરમિયાન વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ વન સીટર એરક્રાફ્ટને રહેણાંક વિસ્તારમાં ક્રેશ થતા બચાવવા માટે ટ્રેઇની પાઇલટ ભાવના રાઠોડે ખેતરોમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લેન્ડિંગ દરમિયાન વિમાનને નુકસાન થયું હતું, જેમાં મહિલા પાઈલટ ભાવનાને સામાન્ય ઈજા થઈ હતી. તેમના સ્વાસ્થ્યને કોઈ ખતરો નથી.