ઉદયપુરના ગોગુંડામાં સોમવારે એક જ પરિવારના છ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરના એક રૂમમાંથી ચાર નિર્દોષ લોકો સાથે દંપતીના મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાની જાણ થતા ગ્રામજનોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

આ મામલો પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઝરોલીના ગોલ નેડી ગામનો છે. ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃત્યુના કારણો હજુ સુધી જાહેર થયા નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોગુંડા પોલીસે જણાવ્યું છે કે, સોમવારે સવારે માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરનો દરવાજો ખોલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આખા રૂમમાં મૃતદેહો પડ્યા હતા. પોલીસે તમામ મૃતદેહોને સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે. પોલીસે ઘરને સીલ કરી દીધું છે. ફોરેન્સિક ટીમ અને ડોગ સ્કવોડને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે.

હાલમાં પોલીસ દ્વારા પરિવારની ઓળખ જાહેર કરવામાં આવી નથી. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસે આત્મહત્યા અને હત્યા બંને એંગલની તપાસ શરૂ કરી છે. છ લોકોના મોતથી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.