બુધવારે અમૃતસરમાં પોલીસ અને ગેંગસ્ટર વચ્ચેના એન્કાઉન્ટર બાદ માર્યા ગયેલા ગુનેગારોને લઈને સતત ખુલાસાઓ થઈ રહ્યા છે. એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સે ખુલાસો કર્યો છે કે, એક વાહન દ્વારા ગેંગસ્ટર રૂપા અને મનુને ભકના ગામ પાસેના નિર્જન ઘરમાં મૂકવા આવ્યા હતા. હવે આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ માટે ટાસ્ક ફોર્સની ટીમો રવાના કરવામાં આવી છે.

ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં સંડોવાયેલા શાર્પ શૂટર્સ મનપ્રીત મનુ ઉર્ફે કુસા અને જગરૂપ રૂપાને લગભગ પાંચ કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટર બાદ પોલીસે ઠાર કર્યા હતા. બંને તરફથી 150 જેટલી ગોળીઓ છોડવામાં આવી હતી. આ દરમિયાન ત્રણ પોલીસકર્મી અને એક મીડિયાકર્મી પણ ઘાયલ થયા હતા. પોલીસને એક AK 47, એક પિસ્તોલ અને એક બેગ મળી આવી છે. બંને ગુંડાઓ ભારત-પાક સરહદથી માત્ર આઠ કિલોમીટર દૂર ભકના ગામ અને હોશિયાર નગર વચ્ચે ખેતરોમાં સ્થિત એક જૂના મકાનમાં છુપાયેલા હતા.

માર્યા ગયેલા ગેંગસ્ટરો પાસેથી કેટલીક ગોળીઓ, એકે-47 કારતૂસ, કપડા અને એક તૂટેલો મોબાઈલ મળી આવ્યો છે. સ્થળ પરથી બે પિસ્તોલ અને એક એકે 47 રાઈફલ પણ મળી આવી છે.

બે દિવસ માટે ઘટનાસ્થળને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ફોરેન્સિક ટીમ ઘટનાની ઝીણવટભરી તપાસ કરશે. અધિકારીઓએ એ પણ માહિતી આપી છે કે, પાકિસ્તાનમાં બેઠેલા દાણચોરો માર્યા ગયેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના માધ્યમથી રિંડા સાથે સંપર્કમાં રહેલા હતા. બંને પાકિસ્તાન ભાગી જવાનો પ્રયાસ પણ કરી રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની બેગમાંથી કોઈ ઓળખ પત્ર કે કોઈ પાસપોર્ટ કે અન્ય કોઈ દસ્તાવેજ મળી આવ્યા નથી. પોલીસ ટીમના જણાવ્યા અનુસાર આરોપી બુધવારે સવારે જ આ નિર્જન ઘરમાં પહોંચી ગયા હતા. પોલીસને આ અંગેની માહિતી મળી અને પોલીસે જૂના મકાનને ઘેરી લીધું અને આરોપીઓને જીવતા પકડવાના પ્રયાસમાં તેમને આત્મસમર્પણ કરવાનું કહ્યું, પરંતુ ગુંડાઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પછી પોલીસ દ્વારા જવાબી ગોળીબારમાં મનુ અને રૂપા માર્યા ગયા હતા.