વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતીય સેના દ્વારા રશિયન હથિયારોના ઉપયોગનો બચાવ કર્યો છે. ઓસ્ટ્રેલિયા પહોંચેલા જયશંકરે ભારતને હથિયારો ન આપવા માટે અમેરિકા જેવા પશ્ચિમી દેશો પર નિશાન સાધ્યું છે.

જયશંકરે પશ્ચિમી દેશોનો ક્લાસ લીધો

જયશંકરે આ મુદ્દે પશ્ચિમી દેશોને આડે હાથ લીધા હતા. તેમણે વધુમાં કહ્યું કે હથિયારોની યાદી અનેક કારણોસર વધી છે. પશ્ચિમી દેશો ભારતને દાયકાઓથી હથિયારો પૂરા પાડતા ન હતા. જયશંકરે કહ્યું કે, ભારતને હથિયાર આપવાને બદલે પશ્ચિમી દેશો પાકિસ્તાનની સૈન્ય સરમુખત્યારશાહી સરકારને શસ્ત્રો આપતા રહ્યા. આ જ કારણ છે કે ભારતે રશિયા પાસેથી હથિયાર લેવા પડ્યા.

રશિયા સાથે ભારતના સારા સંબંધો છે

ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ સાથે પત્રકારોને સંબોધતા જયશંકરે કહ્યું કે રશિયા સાથે અમારા લાંબા સમયથી સારા સંબંધો છે. અમારી પાસે સોવિયેત અને રશિયન મૂળના પર્યાપ્ત શસ્ત્રો છે.

યુક્રેન યુદ્ધ ચર્ચા

જયશંકરે તેમના સમકક્ષ પેની વોંગ સાથે રુસો-યુક્રેન યુદ્ધ અંગે પણ ચર્ચા કરી હતી. જયશંકરે કહ્યું કે અમે યુક્રેન અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તેના પરિણામો, ક્વાડમાં પ્રગતિ, G-20 મુદ્દાઓ, અમારી ત્રિપક્ષીય જેવા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે એમ પણ કહ્યું, ‘અમે સ્પષ્ટપણે યુક્રેનમાં સંઘર્ષની વિરુદ્ધ છીએ. પીએમ મોદીએ મસરકંદમાં પણ કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી.

જયશંકરે બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયાના કોન્સ્યુલેટ જનરલ ખોલવાની આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે અમે મહત્વપૂર્ણ ખનિજો, સાયબર, નવી અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્ર જેવા ઘણા ક્ષેત્રોમાં કામ કર્યું છે. આ વર્ષના જૂનથી અત્યાર સુધીમાં મારા 6 સાથીદારો (કેન્દ્રીય મંત્રીઓ) ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવ્યા છે.