હરિયાણા બીજેપી નેતા સોનાલી ફોગાટના પરિવારે મૃત્યુ કેસની સીબીઆઈ તપાસની માંગ કરી હતી. સોનાલી ફોગાટનો પરિવાર હરિયાણાના મુખ્યમંત્રીને મળવા ચંદીગઢ જઈ રહ્યા છે. પરિવારનું કહેવું છે કે તેઓ સીબીઆઈ તપાસ માટે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરને અરજી કરવા જઈ રહ્યા છે. સોનાલી ફોગટની દીકરી પણ સાથે ગઈ છે. પરિવારે કહ્યું કે, દીકરી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપશે.

બીજેપી નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટ 22 ઓગસ્ટે એક ગીત શૂટ કરવા માટે ગોવા ગઈ હતી. મંગળવારે સવારે ખરાબ તબિયતના કારણે તેમને ગોવાની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. જોકે, બાદમાં પકડાયેલા આરોપીએ ઘણા ખુલાસા કર્યા હતા. જેમાં તેણે સોનાલી ફોગાટને બળજબરીથી MDMA ડ્રગ્સ આપવાની વાત પણ કરી હતી.

આ કેસ સાથે જોડાયેલા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ફૂટેજની તપાસ કર્યા બાદ પોલીસે શુક્રવારે આ કેસમાં સોનાલી ફોગાટના પીએ સુધીર સાંગવાન અને તેના સહયોગી સુખવિંદર સિંહની ધરપકડ કરી હતી. વીડિયોમાં ત્રણેય ક્લબમાં પાર્ટી કરતા જોવા મળ્યા હતા. ગોવા પોલીસે અંજુના કર્લીઝ બીચ ઝૂંપડીના માલિક અને એક શંકાસ્પદ ડ્રગ પેડલરની પણ ધરપકડ કરી છે. સોનાલી ફોગાટ હત્યાના મુખ્ય આરોપી સુખવિંદર સિંહ અને સુધીર સાંગવાનને શનિવારે 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

સોનાલી ફોગાટના સંબંધીઓની માંગ પર હરિયાણા સરકાર સીબીઆઈ તપાસ કરાવવા માટે રાજી થઈ ગઈ હતી. સીએમ મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે, પરિવારની લેખિત માંગ મળતા જ સીબીઆઈ તપાસની ભલામણ મોકલવામાં આવશે. હવે સોનાલી ફોગાટનો પરિવાર હરિયાણાના સીએમને CBI તપાસ માટે અરજી કરવા જઈ રહ્યો છે.