બીજેપી નેતા અને ટિક ટોક સ્ટાર સોનાલી ફોગાટના શંકાસ્પદ સંજોગોમાં મોતના મામલામાં ગોવા પોલીસે હવે હત્યાનો કેસ નોંધ્યો છે. સોનાલીના પરિવારની ફરિયાદના આધારે પોલીસે આ ફરિયાદ નોંધી છે. આ અગાઉ ગોવા પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો. પરંતુ સોનાલીનો પરિવાર સતત તેના પર હત્યાનો આરોપ લગાવી રહ્યો હતો અને તેના કારણે પોલીસે ફોગટના પીએ સુધીર સાંગવાનની પણ અટકાયત કરી હતી. હવે પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જયારે, અગાઉ સોનાલીનો પરિવાર ગોવામાં જ પોસ્ટમોર્ટમ કરાવવા માટે સંમત થયો હતો. પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરવામાં આવશે. ડોકટરોની 3 સભ્યોની પેનલ સોનાલી ફોગાટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરશે. મળતી માહિતી મુજબ સોનાલી ફોગાટના અંતિમ સંસ્કાર હિસારમાં ઋષિ નાગતના સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

સોનાલી ફોગાટનું ગોવામાં 23 ઓગસ્ટના રોજ હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તે સમયે પીએ સુધીર અને સુખવિંદર ગોવામાં તેની સાથે હતા. સુધીરે મંગળવારે સવારે 8 વાગે સોનાલીના ભાઈને ફોન કરીને મોતની જાણ કરી હતી. જે બાદ તેણે ફોન ઉપાડ્યો ન હતો. સોનાલીના પરિવારનો આરોપ છે કે સુધીર અને સુખવિંદરે તેની હત્યા કરી છે. સુધીર સોનાલીની મિલકત હડપ કરવા માંગે છે. તેથી જ તેણે સોનાલીની હત્યા કરી છે.