મુંબઈની એક શેરીમાં કોરિયન મહિલા સાથે છેડતી અને દુર્વ્યવહારની ઘટના બાદ દક્ષિણ કોરિયાએ તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. દક્ષિણ કોરિયાની એમ્બેસીએ ભારતમાં પોતાના નાગરિકોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાત્રે બહાર ન નીકળવાની અપીલ કરી છે. એવું કહેવાય છે કે ભારતીય શહેરોમાં રાત્રે બહાર નીકળવું સલામત નથી.

વાસ્તવમાં તાજેતરમાં જ મુંબઈમાં દક્ષિણ કોરિયાની એક મહિલા સાથે છેડતીની ઘટના સામે આવી છે. રાત્રે લગભગ આઠ વાગ્યે તે મુંબઈના ઉપનગરીય ખાર વિસ્તારમાં ‘લાઈવસ્ટ્રીમિંગ’ કરી રહી હતી. આ દરમિયાન એક યુવક મહિલાની ખૂબ નજીક આવ્યો અને તેનો હાથ પકડીને તેને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તેમને મહિલાનો પીછો પણ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ મહિલાને હેરાન કરનારાઓની ધરપકડ કરવાની માંગ કરી હતી. ત્યાર બાદ પોલીસે બંનેની ધરપકડ કરી હતી.

વિદેશ મંત્રાલયે શું કહ્યું?

દરમિયાન, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું છે કે, દક્ષિણ કોરિયાના દૂતાવાસે હજુ સુધી અમારો સંપર્ક કર્યો છે કે, કેમ તે અંગે કોઈ માહિતી નથી. જો કે, તેમણે ઘટના વિશે કહ્યું કે, સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મહિલાને પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. જો વિદેશ મંત્રાલયે આ મામલામાં હસ્તક્ષેપ કરવાની જરૂર પડશે તો અમે ચોક્કસપણે તેના પર ધ્યાન આપીશું.

પોલીસની કાર્યવાહીથી ખુશ કોરિયન મહિલા

આ ઘટના બાદ દક્ષિણ કોરિયાની મહિલા યુટ્યુબરે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, તે પોલીસની કાર્યવાહીથી ખુશ છે. ANI સાથે વાત કરતા, YouTuber Hyojeong Park એ જણાવ્યું છે કે, મારી સાથે અગાઉ અન્ય દેશમાં પણ આવું બન્યું હતું પરંતુ તે સમયે પોલીસને ફોન કરી શક્યો ન હતો. બીજી તરફ ભારતમાં ખૂબ જ ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેણીએ વધુમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા ત્રણ અઠવાડિયાથી મુંબઈમાં છે અને હવે લાંબા સમય સુધી રહેવાની યોજના બનાવી રહી છે. મુંબઈમાં લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન સાઉથ કોરિયન યુટ્યુબરને હેરાન કરનાર બે આરોપી મોબીન ચાંદ મોહમ્મદ શેખ અને મોહમ્મદ નકીબ સદ્રિયાલમ અંસારીને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.