પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમે મંગળવારે મોટી કાર્યવાહી કરી છે. ED એ આ મામલામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્યની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ ધારાસભ્ય બંગાળ એજ્યુકેશન બોર્ડના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. માણિકની લાંબી પૂછપરછ બાદ ED એ આ કાર્યવાહી કરી છે. સમગ્ર મામલો પ્રાથમિક શિક્ષકોની નિમણૂંકમાં થયેલી ગેરરીતિ સાથે જોડાયેલો છે.

ED ની ટીમે સોમવારે બપોરે માણિક ભટ્ટાચાર્યની પૂછપરછ શરૂ કરી હતી. લાંબી પૂછપરછ દરમિયાન તપાસમાં સહકાર ન આપવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સીબીઆઈએ આ મામલામાં ટીએમસી ધારાસભ્યને 27 સપ્ટેમ્બરે પૂછપરછ માટે સમન્સ પણ પાઠવ્યું હતું, પરંતુ તેઓ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા.

સીબીઆઈના સમન્સ બાદ ધારાસભ્યએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારપછી સુપ્રીમ કોર્ટે તેમને સીબીઆઈ દ્વારા આગામી આદેશ સુધી ધરપકડમાંથી મુક્તિ આપી હતી. જો કે ED દ્વારા તાજેતરની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા ED એ આ કેસમાં પશ્ચિમ બંગાળના તત્કાલીન ઉદ્યોગ મંત્રી અને પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી અને તેની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીની પણ ધરપકડ કરી છે.