ટ્રાફિકમાં અટવાયેલા ડૉક્ટરે કાર છોડી 3 KM લગાવી દોડ, ઈમરજન્સી સર્જરીમાં થઇ રહ્યો હતો વિલંબ

બેંગ્લોર, જેને સિલિકોન વેલી અથવા ભારતની આઈટી કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સૌથી વધુ ટ્રાફિક ધરાવતું માનવામાં આવે છે, આ શહેરમાં કોઈને ઘર છોડવા કરતાં નજીકમાં ક્યાંક જવા માટે વધુ સમય લાગે છે. આ ટ્રાફિક જામના કારણે એક ડોક્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ડૉક્ટરે પોતાના દર્દીનો જીવ બચાવવા માટે એક અસામાન્ય નિર્ણય લીધો અને લોકો ડૉક્ટરની આ ભાવનાથી ખૂબ જ પ્રભાવિત થયા છે.
મણિપાલ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટરોલોજી સર્જન ડો. ગોવિંદ નંદકુમાર 30 ઓગસ્ટના રોજ એક દર્દી પર સર્જરી કરવા જઈ રહ્યા હતા, જ્યારે તેઓ સારાજપુર-મરાથલ્લી રોડ પર પહોંચ્યા ત્યારે ભારે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. પોતાને જવાબદાર માનીને ડૉક્ટર નંદકુમાર મહિલાની સર્જરી કરવા માટે 3 કિલોમીટર દોડીને પોતાની કાર છોડીને હોસ્પિટલ પહોંચ્યા.
વીડિયો વાયરલ થયા બાદ જ્યારે મીડિયાએ તેમનો સંપર્ક કર્યો તો ડૉક્ટર નંદકુમારે આ વિશે વાત કરતાં કહ્યું, હું દરરોજ સેન્ટ્રલ બેંગ્લોરથી સરજાપુરની મણિપાલ હોસ્પિટલમાં જઉં છું, જે શહેરના દક્ષિણપૂર્વમાં છે. હું સર્જરી માટે સમયસર ઘરેથી નીકળ્યો હતો, મારી ટીમ સંપૂર્ણ રીતે તૈયાર હતી અને સર્જરી માટે હોસ્પિટલ પહોંચવાની મારી રાહ જોઈ રહી હતી. ભારે ટ્રાફિક જોઈને, મેં મારી કાર ડ્રાઈવર સાથે છોડી દેવાનું નક્કી કર્યું અને હોસ્પિટલ તરફ દોડવા લાગ્યો, જેથી હું સમયસર પહોંચી શકું.
ડૉક્ટર નંદકુમારની ટીમ, જે દર્દીને એનેસ્થેસિયા આપવા તૈયાર હતી, તેઓ ઓપરેશન થિયેટરમાં પહોંચતાની સાથે જ એક્શનમાં આવી ગયા. કોઈપણ વિલંબ કર્યા વગર, તેણે ઓપરેશન કરવા માટે સર્જિકલ પોશાક પહેર્યો અને સફળતાપૂર્વક તેને પૂર્ણ કર્યું. ડૉ નંદકુમાર મણિપાલ હોસ્પિટલમાં ગેસ્ટ્રોએન્ટેરોલોજી કન્સલ્ટન્ટ છે, મહિલા દર્દીને તાત્કાલિક સર્જરીની જરૂર હતી, કારણ કે તે લાંબા સમયથી પિત્તાશયની બિમારીથી પીડાતી હતી.