ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારનું ફૂડ સબસિડી બિલ 3 લાખ કરોડ રૂપિયાને પાર કરી શકે છે. જે 2 લાખ કરોડ રૂપિયાના બજેટ અંદાજ કરતા લગભગ 50% વધુ છે. ખાદ્ય સબસિડી બિલમાં વધારો થવાનું મુખ્ય કારણ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ને ડિસેમ્બર સુધી લંબાવવાનું છે. આ યોજના હેઠળ સરકાર 80 કરોડ લોકોને સસ્તા દરે અનાજ આપે છે.

અત્યાર સુધી 2020-21ના બજેટમાં 5.2 લાખ કરોડ રૂપિયાની મહત્તમ રકમ ફૂડ સબસિડીના રૂપમાં આપવામાં આવી હતી. જો કે, આ ફંડમાંથી રૂ. 3.4 લાખ કરોડનો ઉપયોગ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) દ્વારા નેશનલ સ્મોલ સેવિંગ્સ ફંડમાંથી લેવામાં આવેલી લોનની ચુકવણી માટે કરવામાં આવ્યો હતો. તેના કારણે FCI પર વ્યાજનો બોજ ઓછો થયો હતો.

PMGKEY યોજના 7મી વખત વધી

સરકારે PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાને સાતમી વખત લંબાવી છે. અધિકારીઓનું કહેવું છે કે તેનાથી સબસિડીમાં 1.2 લાખ કરોડ રૂપિયાનો વધારો થઈ શકે છે. આ યોજના હેઠળ સરકાર દરેક લાભાર્થીને દર મહિને 5 કિલો અનાજ આપે છે. આ અનાજ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા 5 કિલો ઘઉં અને ચોખાથી અલગ છે. કોરોનાના સમયમાં ગરીબ લોકોને ભોજન આપવા માટે સરકારે વર્ષ 2020માં PMGKAY યોજના શરૂ કરી હતી. ખાદ્ય મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે PMGKAYના સાત તબક્કાઓ પર કુલ રૂ. 3.9 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં ખોરાક, ખાતર અને ઈંધણ પર સબસિડીનો ખર્ચ વધીને રૂ. 5.4 લાખ કરોડ થઈ શકે છે. બજેટમાં તેના માટે માત્ર 3.2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. યુક્રેન યુદ્ધના કારણે કોમોડિટીના ભાવમાં ઉછાળાને કારણે સબસિડી બિલમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. સબસિડી બિલમાં વધારો કરવાનું આ સતત ત્રીજું વર્ષ હશે. ભારત સરકારના કુલ ખર્ચના લગભગ 10% સબસિડી પાછળ ખર્ચવામાં આવે છે.

સરકાર બજેટની તૈયારીમાં લાગી ગઈ છે

ભારત સરકાર હાલમાં તેનું આગામી બજેટ તૈયાર કરવામાં વ્યસ્ત છે. ફેબ્રુઆરીમાં બજેટ રજૂ થશે. આગામી બજેટ એવા સમયે રજૂ કરવામાં આવશે જ્યારે વૈશ્વિક મંદીની આશંકા તીવ્ર બની છે, સ્થાનિક વૃદ્ધિ ધીમી પડી છે અને ફુગાવો ઊંચા સ્તરે છે, જેના કારણે દેવાની કિંમતમાં વધારો થયો છે.