લગભગ બે વર્ષથી બંધ પડેલા નીલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડ (NINL)ની કિસ્મત બદલાવા લાગી છે. આ બધું ટાટા ગ્રુપના અધિગ્રહણને કારણે શક્ય બન્યું છે. ટાટા સ્ટીલના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર ટીવી નરેન્દ્રને કહ્યું કે આગામી ત્રણ મહિનામાં નીલાચલ સ્ટીલ પ્લાન્ટ શરૂ કરવાનું લક્ષ્ય છે.

તેમણે કહ્યું, “અમે વર્તમાન કર્મચારીઓ સાથે કામ કરવા અને લગભગ બે વર્ષથી બંધ પડેલી ફેક્ટરીને ફરીથી શરૂ કરવા તૈયાર છીએ. અમે આગામી ત્રણ મહિનામાં ઉત્પાદન શરૂ કરવાની અને આગામી 12 મહિનામાં સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાની આશા રાખીએ છીએ.

જણાવી દઈએ કે નીલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડ એક સરકારી કંપની હતી, જેને તાજેતરમાં ટાટા સ્ટીલે તેની પેટાકંપની ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ (TSLP) દ્વારા ખરીદી હતી. આ સોદો 12,000 કરોડ રૂપિયામાં થયો હતો.

ટાટા જૂથની કંપનીએ નીલાચલમાં 93.71 ટકા હિસ્સો ખરીદવા માટે સફળ બિડિંગની જાહેરાત કરી હતી. નીલાચલ પાસે 10 લાખ ટન ક્ષમતાની ફેક્ટરી ઉપરાંત પોતાનો પાવર પ્લાન્ટ છે. કંપની પાસે આયર્ન ઓરની ખાણ પણ છે જે વિકાસના તબક્કામાં છે.